તા. 4 થી 18 જૂલાઇ સુધી જિલ્લામાં ફરનારો ‘વંદે ગુજરાત યાત્રા વિકાસ રથ’
આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રાનું તા. 4 થી 18 જુલાઇ સુધી રાજ્યના તમામ જિલ્લામાં આયોજન કરાયું છે. જેના સુચારૂ અમલીકરણ માટે ગાંધીનગરથી મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાજકોટના જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના સબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ જોડાયા હતા. આ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રાજકોટ જિલ્લામાં સુચારૂ અમલીકરણ માટે કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઇ હતી.
આ તકે વિકાસ યાત્રામાં સરકારનાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, વિવિધ યોજનાઓની લોકોને આપવાની જાણકારી, સરકારી યોજનાની ફિલ્મની રજૂઆત, રથના રૂટ, સેવા સેતુ, નવા વિકાસ કામોની જાહેરાત, સરકારી યોજનાના લાભોનું લાભાર્થીઓને વિતરણ, રથના રાત્રિ રોકાણ, સહિતની વ્યવસ્થાઓ વગેરે બાબતોને આવરી લેવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા કક્ષાની સમિતિમાં જે અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. તે તમામ અધિકારીઓએ ચીવટ રાખીને કામગીરી કરવા કલેક્ટરએ સુચના આપી હતી.
આ બેઠકમાં પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધીમન્ત વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચોધરી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સહિતના વિવિધ ખાતાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.