વોર્ડ નં.૩માં ગુમાનસિંહજી શોપીંગ સેન્ટરની પાછળ કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત ફગાવતી સ્ટેન્ડિંગ: રૂ.૫૨ કરોડના વિકાસ કામોને બહાલી
શહેર મોચી બજાર ચોક પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા કતલખાના પાસે મહાપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ બનાવવાની તજવીજ શ‚ કરવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. કોમ્યુનિટી હોલના બહાનાતળે ગેરકાયદે ધમધમતા કતલખાનાને કાયદેસરનું રૂપ આપી દેવામાં આવશે તેવી દહેશત જીવદયા પ્રેમીઓએ વ્યકત કરી હતી અને કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. અંતે જીવદયાપ્રેમીઓની જીત થઈ છે. વોર્ડ નં.૩માં ગુમાનસિંહજી શોપીંગ સેન્ટરના પાછળના ભાગે કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ફગાવી દેવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા ઉઠયા બાદ પ્રથમવાર મળેલી સ્ટેન્ડિંગમાં રૂ.૫૨ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવયું હતું કે, શહેરના વોર્ડ નં.૩માં ગુમાનસિંહજી શોપીંગ સેન્ટરની પાછળ રૂપિયા ૮૪ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે જીવદયા પ્રેમીઓએ એવી રજુઆત કરી હતી કે, જે વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવનાર છે ત્યાં ગેરકાયદે કતલખાનું વર્ષોથી ધમધમે છે. કોમ્યુનિટી હોલ બન્યા બાદ કતલખાનાને કાયદેસરનું સ્વરૂપ આપી દેવાશે તેવી દહેશત પણ તેઓએ વ્યકત કરી હતી. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.૩માં ગુમાનસિંહજી શોપીંગ સેન્ટરના પાછળના ભાગે કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત જીવદયાપ્રેમીઓની લાગણીને માન આપી નામંજુર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૪૪ પૈકી શહેરમાંથી ઉત્પન્ન થતા ડ્રાઈ વેસ્ટના પ્રોસેસીંગ માટે મટીરીયલ રીકવરી ફેસેલીટી ઉભી કરવાની દરખાસ્ત પરત મોકલવામાં આવી છે. બાકીની તમામ ૪૨ દરખાસ્તાનોને બહાલી આપી રૂ.૫૬ કરોડના વિકાસ કામો મંજુર કરાયા છે.