અંબાજીમાં અચાનક મોહનથાળના પ્રસાદની પરંપરા તોડી નાખવામાં આવતા છેલ્લા ઘણા દિવસોથી લડત ચાલી રહી હતી, અંતે સરકારે બેઠક કરી મોહનથાળ-ચિકી બન્ને ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો
લોકોની આસ્થાની જીત થઇ છે. હવે માઁનો પ્રસાદ મોહનથાળ જ રહેશે. અચાનક મોહનથાળના પ્રસાદની પરંપરા તોડી નાખવામાં આવતા છેલ્લા ઘણા સમયથી લડત ચાલી રહી હતી. જો કે અંતે સરકારે બેઠક કરી મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.
અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ હવે ફરીથી શરૂ થશે. આ સમાચાર બાદ ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ છવાયો હતો. મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક કરવામાં આવી હતી. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદીમાં અપાતા મોહનથાળને બંધ કરાતા ભક્તોમાં ભારે રોષ છવાયો છે. જેના કારણે ગુજરાત સરકારે પણ દખલગીરી કરવાની ફરજ પડી છે.
મોહનથાળના પ્રસાદ બંધ થતાં આંદોલનો થયા, ઠેર-ઠેર આવેદનો અપાયા
અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ વધુ વકરતો જઈ રહ્યો હતો. મોહનથાળના પ્રસાદને જ કાયમ રાખવા રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર આંદોલનો શરૂ થયાં હતા. વિશ્વ હિંદુ પરિષદે પણ આંદોલનમાં ઝંપલાવ્યું હતું. ઉપરાંત ઠેર ઠેર આવેદનો પણ અપાયા હતા. બીજી તરફ ભક્તોના રોષને જોતાં આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી.
મોહનથાળનો મામલો વિધાનસભામાં પણ ગુંજયો, હાઇકોર્ટમાં જવાની પણ તૈયારી થઈ હતી
મોહનથાળ બંધ કરવા સામે અનેક સંગઠનો આગળ આવ્યા હતા. પ્રસાદનો આ મામલો છેક વિધાનસભા સુધી પણ ગૂંજ્યો હતો. વિધાનસભામાં સત્ર દરમિયાન કોંગ્રસના ધારાસભ્યો મોહનથાળ સાથે પહોંચ્યા હતા. ત્યારે મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરાવવા દાંતા રાજવી પરિવાર પણ મેદાનમાં ઉતર્યો હતો. દાંતા સ્ટેટના રાજવી પરિવારના પરમવીરસિંહે જણાવ્યું હતુ કે, આ મામલે સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો તેઓ હાઇકોર્ટ પણ જવા તૈયાર છે અને અંબાજી મંદિર સુધી વિશાળ રેલીનું પણ પણ આયોજન કરવામાં આવશે.
વાત જ્યારે આસ્થાની હોય, ત્યારે પ્રસાદીની આયુષ્ય ન જોવાય
વાત જ્યારે આસ્થાની હોય ત્યારે પ્રસાદીની આયુષ્ય ન જોવાય તેવી લોકલાગણી ઉઠી હતી. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ નિવેદન કરતા કહ્યું કે, ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે. આ પહેલા તેમણે જણાવ્યું હતુ કે, ચિકીના પ્રસાદને લાંબા સમય સુધી રાખી શકવામાં આવે છે. દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યુ હતુ કે, માતાજીની પરંપરાગત પ્રસાદી ચાલતી હતી તેને અચાનક બંધ કરવામાં આવી છે અને ચીકીની જે પ્રસાદી શરુ કરી છે તે યોગ્ય નથી. મારું તે વિસ્તારના ધારાસભ્ય તરીકે માનવું છે વર્ષો જૂની પરંપરા યથાવત રાખવી જોઈએ.