દેશભરમાં ચાલી રહેલા અહિંસક આંદોલનને પગલે કેન્દ્રનો નિર્ણય, આ મુદ્દે એક કમિટી પણ બનાવાશે

સમેદ શિખરજી મુદ્દે ચાલી રહેલા વિરોધને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.  કેન્દ્રએ તાત્કાલિક અસરથી સમેદ શિખરજીને પ્રવાસન સ્થળ બનાવવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે.  આ સાથે આ મુદ્દે એક કમિટી પણ બનાવવામાં આવી છે.  કેન્દ્રએ ઝારખંડ સરકારને પણ આ મુદ્દે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

સમિતિની રચના કરતી વખતે કેન્દ્રએ કહ્યું છે કે રાજ્ય સરકારે જૈન સમુદાયના બે સભ્યોને સમિતિમાં સામેલ કરવા જોઈએ.  તે જ સમયે, સ્થાનિક આદિવાસી સમુદાયમાંથી એક સભ્યનો સમાવેશ કરવો જોઈએ.  કેન્દ્રએ રાજ્યને 2019ના નોટિફિકેશનની કલમ 3ની જોગવાઈઓ પર રોક લગાવવાનો આદેશ પણ આપ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની જૈન સમુદાયના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.  કેન્દ્રીય મંત્રીએ બેઠકમાં જૈન સમુદાયના લોકોને આશ્વાસન આપ્યું હતું કે મોદી સરકાર સમેદ શિખરની પવિત્રતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

વાસ્તવમાં, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયને પારસનાથ વન્યજીવ અભયારણ્યમાં પ્રવાસન મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી જૈન સમાજના અનેક સંગઠનો તરફથી અરજીઓ મળી રહી હતી.  આ અરજીઓમાં કહેવામાં આવી રહ્યું છે કે સમેદ શિખરમાં પ્રવાસન ગતિવિધિઓને કારણે જૈન ધર્મના અનુયાયીઓની ભાવનાઓને ખરાબ અસર થઈ રહી છે.

દેશની વસ્તીમાં 0.4 ટકા હિસ્સો ધરાવતો જૈન સમુદાય ઝારખંડ સરકારના આ નિર્ણયથી નારાજ હતો, જેમાં તીર્થસ્થળ સમેદ શિખરને પ્રવાસન સ્થળ બનાવવાની વાત કહેવામાં આવી હતી.  રોષે ભરાયેલા જૈન સમાજના લોકો અઠવાડિયાથી દેશભરમાં અહિંસક આંદોલન કરી રહ્યા હતા.

સમેદ શિખરને પ્રવાસન સ્થળ બનાવવા માટે માત્ર ઝારખંડમાં જ નહીં, પરંતુ દિલ્હી, રાજકોટ, અમદાવાદ, મુંબઇ, જયપુર અને ભોપાલમાં પણ પ્રદર્શનો થઈ રહ્યા હતા.  આ દરમિયાન જયપુરમાં ઉપવાસ પર બેઠેલા એક જૈનમુનિનું પણ નિધન થયું હતું.  72 વર્ષના સુગ્યસાગર મહારાજ ઉપવાસ પર હતા.  પોલીસે જણાવ્યું કે મહારાજે 25 ડિસેમ્બરથી કંઈ ખાધું નહોતું, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું.

સંમેદ શિખર, જૈન ધર્મનું તીર્થસ્થાન છે. જે ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ ટેકરી પર આવેલું છે.  આ ટેકરીનું નામ જૈનોના 23મા તીર્થંકર પારસનાથના નામ પરથી રાખવામાં આવ્યું છે.તે ઝારખંડના સૌથી ઊંચા શિખર પર આવેલું છે.  એવું માનવામાં આવે છે કે જૈન ધર્મના 24માંથી 20 તીર્થંકરોએ અહીં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.  તેથી જ તે જૈનો માટે સૌથી પવિત્ર સ્થાનોમાંનું એક છે. આ ટેકરી પર  તીર્થંકરોના ચરણ હાજર છે.  એવું માનવામાં આવે છે કે અહીંના કેટલાક મંદિરો બે હજાર વર્ષથી પણ જૂના છે.

જૈન ધર્મના લોકો દર વર્ષે સંમેદ શિખરની મુલાકાત લે છે.  લગભગ 27 કિલોમીટરની આ યાત્રા પગપાળા જ પૂરી કરવાની હોય છે.  એવું માનવામાં આવે છે કે જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ સ્થાનની મુલાકાત લેવી જોઈએ.

ઓગસ્ટ 2019 માં, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે સમેદ શિખર અને પારસનાથ ટેકરીને ઇકો-સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યા હતા. આ પછી ઝારખંડ સરકારે તેને પર્યટન સ્થળ જાહેર કર્યું.હવે આ યાત્રાધામને પર્યટનના હિસાબે ફેરવવાનું હતું.

આ મુદ્દે જૈન સમાજનો વાંધો હતો.  તેમણે કહ્યું કે આ એક પવિત્ર ધર્મસ્થાન છે અને પ્રવાસીઓના આવવાથી તે પવિત્ર નહીં રહે. જૈન સમાજને આશંકા હતી કે તેને પર્યટન સ્થળ બનાવવાથી અસામાજિક તત્વો પણ અહીં આવી જશે અને અહીં દારૂ અને માંસનું સેવન પણ થઈ શકે છે. જૈન સમાજની માંગ હતી કે આ સ્થળને ઈકો ટુરીઝમ તરીકે જાહેર કરવામાં ન આવે.  તેના બદલે તેને પવિત્ર સ્થાન જાહેર કરવું જોઈએ જેથી તેની પવિત્રતા જળવાઈ રહે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.