હોળીની જાળ શરૂઆતમાં ઉત્તર દીશામાં જતા ચોમાસું એકંદરે સારૂ રહેશે: બે મહિના સાવચેતી રાખવી જરૂરી

રાજકોટમાં અનેક સ્થળોએ 10 વાગ્યા બાદ હોળી પ્રગટાવાય: જ્યાં સોમવારે હોળી નથી પ્રગટાવી શકાય ત્યાં આજે પ્રગટાવી શકાશે

લગભગ પ્રથમવાર એવું બન્યું હશે કે હોળી પ્રગટાવવાની ગણતરીની કલાકો પહેલા ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હોય. ગઇકાલે હોળીના દિવસે સમી સાંજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. એક તબક્કે તો લોકોના મનમાં એવા પણ વિચાર આવવા લાગ્યા હતા કે શું આ વર્ષ હોળી નહીં પ્રગટે? જો કે માવઠા સામે લોકોના હૃદ્યમાં ઇશ્ર્વર પ્રત્યે રહેલી અડીખમ શ્રધ્ધાનો વિજય થયો હતો. અમૂક સ્થળોએ તો ઝરમર વરસાદમાં હોળી પ્રગટી હતી. જે વિસ્તારોમાં કોઇ કારણોસર હોળી નથી પ્રગટાવી શકાય ત્યાં આજે હોળી પ્રગટાવી શકાશે. તેવું જ્યોતિષો જણાવી રહ્યાં છે.

જાણીતા જ્યોતિષાચાર્ય વેદાંત રત્ન રાજદીપભાઇ જોશીના જણાવ્યાનુસાર પ્રથમ હોળી જ્યાં પ્રગટાવવામાં આવી હોય તેની જાળને આધારે ચોમાસાનો વરતારો આપવામાં આવતો હોય છે. રાજકોટમાં એક જગ્યાએ નિયત મુહુર્તે હોળી પ્રગટાવવામાં આવી હતી. તેની જાળ ઉત્તર દિશા તરફ જતી હતી. જેના આધારે એવું કહી શકાય કે આ વર્ષ ચોમાસુ એકંદરે સામાન્ય રહેશે. ધાન્ય પાકોનું ઉત્પાદન પણ સારૂ થશે. જો કે હોળીના દિવસે જ વરસાદ પડ્યો હોવાના કારણે આગામી બે મહિના સુધી થોડી સાવચેતી રાખવી પડશે. રોગચાળો વકરવાની સંભાવના છે. ચોમાસુમાં એકંદરે સારો વરસાદ પડશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વરસાદ સહિતના કારણોસર જો ગઇકાલે સોમવારે હોળી પ્રગટાવી શકાય ન હોય તો આજે રાત્રીના 8:26 કલાકથી 9:55 કલાક સુધીમાં હોળી પ્રગટાવી શકાશે. કારણ કે આવતીકાલે ધુળેટી છે. ગઇકાલે જે રિતે સમી સાંજે ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ પડી રહ્યો હતો તે જોતા એવું લાગતું હતું કે, હોળીના છાણા પલળી ગયા છે. આવામાં આજે કોઇ કાળે હોળી પ્રગટાવી શકાશે નહી. જો કે માવઠા સામે લોકોની આસ્થાનો વિજય થયો હતો. રાજકોટમાં પંચનાથ મંદિરે ચાલુ વરસાદમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. ભાવિકોએ મહાદેવના સાક્ષાત્કારના દર્શન થયા હતાં. એક તરફ ઝરમર વરસાદ ચાલુ હતો અને બીજી તરફ હોળી પ્રગટી રહી હતી. વરસાદે વિરામ લીધા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને લોકોએ આસ્થાભેર હોલી કા દહન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.