જુનાગઢ શહેર તથા જિલ્લામાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરતો જાય છે, બેકાબુ અને બેખોફ બનેલ કોરાના દિન પ્રતિદિન ભયંકર રીતે સંક્રમણ વધારી રહ્યો છે. ત્યારે ગઈકાલે પણ જૂનાગઢ શહેરના 3 મળી જિલ્લાના કુલ 5 દર્દીનો કોરોના એ ભોગ લીધો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરના 133 લોકો સહિત જિલ્લાના અત્યાર સુધીના સૌથી વધુ 261 લોકોને ઝપેટમાં લઇને કોરીનાએ પોઝિટિવ બનાવી દેતા સમગ્ર સોરઠ પંથકમાં કોરોનાએ હાહાકાર મચાવી દિધો છે, સતત વધતા જતા કોરોના કેસના કારણે જિલ્લા તંત્ર દોડતું થયું છે, આરોગ્ય વિભાગ વધુ પડતા દર્દીઓ અને ઓછી સુવિધાથી બિચાલું બન્યું છે શહેર તથા જિલ્લામાં એકપણ કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખાટલા નથી તો એક પણ કેર સેન્ટરમાં જગ્યા નથી .
જૂનાગઢ સહિત જિલ્લામાં છેલ્લા પચીસેક દિવસથી કોરોના કૂદકે ને ભૂસકે લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેને લઇને શહેરમાં અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ સતત ઉંચો જઈ રહ્યો છે. સોમવારે 259 લોકો કોરોના ગ્રસ્ત અને 5 લોકો કોરોનાનો ભોગ બન્યા બાદ ગઈકાલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરના 3 અને જૂનાગઢ તાલુકાના 2 દર્દી મળી કોરોના ગ્રસ્ત કુલ 5 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે જૂનાગઢ શહેરના 133, જૂનાગઢ તાલુકાના 13, કેશોદ તાલુકાના 15, ભેસાણ તાલુકાના 9, માળિયા તાલુકાના 31, માણાવદર તાલુકાનાં 16, મેંદરડા તાલુકાનાં 7, માંગરોળ તાલુકાના 6, વંથલી તાલુકાના 19 અને વિસાવદર તાલુકાના 12 મળી કુલ 261 લોકો કોરોના ગ્રસ્ત જાહેર થતાં તેમને હોસ્પિટલમાં સારવારમાં લેવામાં આવ્યા છે. જો કે તેમની સામે કોરોનાને મહાત આપેલ 220 દર્દીઓને ગઈકાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.આ સિવાય ગઈકાલ મંગળવારના સરકારી આંકડા મુજબ જૂનાગઢ જિલ્લામાં કુલ 165 ઘરને ક્ધટેનમેન્ટ જાહેર કરાયા છે અને આ ક્ધટેનમેન્ટ એરિયાના 1484 લોકોને ક્ધટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. સાથોસાથ કોરોનાને ફેલાતો રોકવા ગઈકાલે જૂનાગઢ શહેર સહિત જીલ્લામાં 2970 લોકોને કોરોનાના વેકશિન અપાતા અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 2.53 લાખ લોકોએ કોરોના વેકશિન લઈ લીધી હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.