ધોકા – પાઇપ વડે ખૂની હુમલો: વાડીના મકાન પર જેસીબી ફેરવી દીધું, નવ શખ્સો સામે નોંધાતો ગુનો
વિછીયા તાલુકાના સોમલપર ગામે શેઢા બાબતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જેમાં ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે ખૂની હુમલો કરતા મહિલા સહિત ૫ લોકો ઘવાતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહિ પરંતુ વાડીમાં આવેલા મકાન પર જેસીબી ફેરવી દીધું હતું. જસદણ પોલીસે નવ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત બંધાળી ગામના દેવરાજભાઈ જાદવભાઈ ગોહિલ નામના ૩૫ વર્ષીય યુવાને જસદણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે સોમલપર ગામે આવેલી રાણાભાઇની જમીન પર જમીન લેવલનું કામ કરતા હતા ત્યારે બાજુની વાડી વાળા સામત રાતડીયા ત્યાં આવીને આ જમીન અમારી છે રાણાભાઇની નહિ તેમ કહી માથાકૂટ કરી હતી.
ત્યાર બાદ ઉશ્કેરાયેલા સામત મયા રાતડિયા, મયા કુવરા રાતડિયા, હરજી કાળા રાતડિયા, સામતનો નાનો ભાઈ સહિત સાત શખ્સોએ ધોકા-પાઇપ વડે તૂટી પડ્યા હતા. જેમાં ફરિયાદી દેવરાજભાઈ તથા તેમના પિતા જાદવભાઈ પર જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે છોડાવવા પડતા જેસીબીના ડ્રાઈવર તોફીક વચ્ચે પડતા તેને પણ માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. જેથી પોલીસે સાત શખ્સો સામે ખૂનની કોશિશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
તો સામાપક્ષે રૂપાબેન જીલુભાઈ રાતડીયા નામની ૩૦ વર્ષીય પરિણીતાએ જસદણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગઇ કાલે સવારે તેઓની બાજુની વાડીમાં જેસીબી કામ કરતા દેવરાજ અને તેના પિતા જાદવ બંને જેસીબી પોતાની વાડી તરફ લઈ આવતા તેઓને સમજાવવા જતા બોલાચાલી થઈ હતી. જેમાં દેવરાજ અને તેના પિતા જાદવે રૂપાબેન થતા તેમના દિયર સામતભાઈ પર હથિયાર વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ પિતા-પુત્રએ ફરિયાદીની વાડીના મકાન પર જેસીબી ફેરવી દીધાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.