વરસાદના કારણે સગીરા શાળાએથી છૂટી મામા ઘરે જતી હતી અને કાળ ભેટ્યો
વીંછિયા તાલુકાના પીપરડી ગામે રહેતી અને વાંગધ્રા ગામે આવેલી ઉત્તર બુનિયાદી શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી શીતલ દિનેશભાઈ કાગડીયા નામની 16 વર્ષની વિદ્યાર્થીની શાળાએથી સાયકલ લઈને વરસાદના કારણે મામાના ઘરે જવા નીકળી હતી. ત્યારે વિદ્યાર્થિની વાંગધ્રા ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચી તે દરમિયાન વીંછિયા સાઈડથી સુરત તરફ મુસાફરો ભરીને જતી જીજે 32 ટી 9898 નંબરની ખાનગી દત્તકૃપા લકઝરી બસના ચાલકે આ વિદ્યાર્થિનીને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેણીને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી હતા જ્યાં તેનું સારવારમાં મોત થયું હતું.
આ અકસ્માત સર્જી બસના ચાલકે બસ લઇને જ નાસી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ અન્ય લોકો બસની આડા ઉભા રહી જતા ચાલક મુસાફરોને ભગવાન ભરોસે રસ્તામાં છોડી બસ રેઢી મૂકીને નાસી ગયો હતો. આ બનાવના પગલે વાંગધ્રા સહિતના આજુબાજુના ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને રસ્તા પર ઉતરી આવી વીંછિયા-બોટાદ હાઈવે પર પથ્થરો અને બાવળો ગોઠવી રોડ બંધ કરી દીધો હતો.
અકસ્માતની જાણ થતા વીંછિયા અને પાળીયાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. બનાવના પગલે 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને પ્રથમ વીંછિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેણીની ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક શીતલ કાગળિયા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને તે એક ભાઈ ચાર બહેનમાં વચેટ હતી. વરસાદના કારણે વિદ્યાર્થિની ઘરે જઈ શકતી ન હોવાથી તે મામાના ઘરે જવા માટે નીકળી હતી અને કાળ ભેટ્યો હતો.
લોકોના આક્રોશને પારખી સ્થળ પર હાજર પોલીસ જવાનોએ અકસ્માત સ્થળે તાત્કાલિક હંગામી ધોરણે સ્પીડ બ્રેકર બનાવી આપવાની સમજાવટ કરી અકસ્માત સર્જનારા બસના ચાલક સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. બાદમાં પોલીસે રસ્તો ખુલ્લો કરાવી ટ્રાફિકજામ હટાવી વાહનવ્યવહાર ફરી ચાલુ કરાવ્યો હતો.