વિછીંયાના વૃધ્ધને ટીવીની બીમારી હોવાથી કામ ધંધો ન ચાલતા ઘર ખર્ચને પહોચી વળવા માટે રુા.52 હજાર માસિક 18 ટકા વ્યાજે લીધા બાદ રુા.35 હજાર ચુકવી દીધા હોવા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી બે શખ્સોએ પાઇપ અને ધોકા બંને પગમાં મારી ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે એકની ધરપકડ કરી છે.
ટીબીની બીમારીના કારણે ઘર ખર્ચને પહોચી વળવા રૂ.52 હજાર વ્યાજે લીધા બાદ રૂ.35 હજાર ચુકવી દીધા હોવા છતાં બંને પગમાં પાઇપ અને ધોકા માર્યા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના ઉગમણી બારી વિસ્તારમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા ઇસ્માઇલભાઇ જમાલશા શાહમદાર નામના 60 વર્ષના વૃધ્ધે આંકડીયા ગામના પ્રદિપ નનકુ ધાધલ અને પ્રદિપ દિનેશ ચાવડાએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી પાઇપ અને ધોકાથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રદિપ ચાવડાની ધરપકડ કરી છે.
ઇસ્માઇલ શાહમદારને ટીબીની બીમારી હોવાથી કામ ધંધો કરી શકતા ન હોવાથી ઘર ખર્ચને પહોચી વળવા માટે આકડીયા ગામના પ્રદિપ ધાધલ પાસેથી કટકે કટકે રુા.52 હજાર વ્યાજે લીધા હતા. વ્યાજ દર મહીને ચુકવી દેતા હોવા છતાં પ્રદિપ ચાવડાએ વધુ વ્યાજની માગણી કરી ગત તા.9મીએ ઘરે આવી પાઇપ અને ધોકાથી બંને પગમાં મારતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.વિછીંયા પોલીસે ઇસ્માઇલ શાહમદારની ફરિયાદ પરથી પ્રદિપ ધાધલ અને પ્રદિપ ચાવડા સામે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ અશ્ર્વિનભાઇ બેરાણીએ પ્રદિપ ચાવડાની ધરપકડ કરી છે.