૭૯૦ સભ્યોના બન્ને સદનમાં ૪૨૫ સાંસદો સાથે એનડીએ મજબુત: સિક્રેટ બેલેટ પઘ્ધતિથી મતદાન શરુ
આજે ઉપરાષ્ટપતિ પદ માટેની ચુંટણી શરુ થઇ છે જેમાં યુપીએ દ્વારા મહાત્મા ગાંધીના પૌત્ર અને પશ્ર્ચિમ બંગાળના પૂર્વ ગર્વનર ગોપાલકૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. બીજી તરફ એનડીએ તરફથી વરિષ્ઠ નેતા વૈકેંયા નાયડુ યુપીએના ઉમેદવારને ટકકર આપશે. સંસદના બંને ગૃહોના સભ્યોની કુલ સંખ્યા ૭૯૦ છે. જેમાંથી ૪૨૫ સાંસદો એનડીએના છે આ પરિસ્થિતિમાં વૈકેયા નાયડુની જીત નિશ્ર્ચિત લાગી રહી છે.
હાલના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનો કાર્યક્રમ ૧૦મી ઓગષ્ટના રોજ પુરો થાય છે. સતત બે ટર્મથી હામિદ અંસારી ઉપરાષ્ટ્રપતિ પદની જવાબદારી નિભાવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ માટેની ચુંટણીમાં સંસદના બન્ને ગૃહોના સભ્યો દ્વારા મતદાન કરવામાં આવે છે. સિક્રેટ બેલેટથી થતા મતદાનમાં સભ્યોએ ખાસ પેન વડે ઉમેદવારની પસંદગી કરવાની હોય છે.
આજે જ મતદાન બાદ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં એનડીએના સભ્યોના સૌથી વધુ મત અમાન્ય રહ્યા હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ થયા હતા અને સાંસદોની ટીકા કરી હતી. રાષ્ટ્રપતિની ચુંટણીમાં થયેલી ભુલનું ઉપરાષ્ટ્રપતિની ચુંટણીમાં પુનરાવર્તન ન થાય તે માટે વર્કશોપ યોજીને કમી મતદાન કરવામાં આવ્યું હતું. આ ડમી વોટીંગમાં પણ ૧૬ સાંસદોના મત અમાન્ય ગણવામાં આવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે શરુ થયેલા મતદાનમાં એનડીએ મજબુત સ્થિતિમાં છે. બીજી તરફ ગઠબંધન સાથે છેડો ફાડનારા નીતીશકુમાર ઉપર તમામની ખાસ નજર છે. અગાઉ નીતીશ મહાગઠબંધનમાં હતા ત્યારે એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિન્દને સમર્થન આપ્યું હતું. ત્યારે હવે ભાજપ સાથે મળીને બિહારમાં સરકાર બનાવયા પછી યુપીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને સમર્થનની જાહેરાત કરી છે. સવારના ૧૦ વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે અને મોડી સાંજ સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિનું નામ પણ જાહેર કરી દેવામાં આવશે.
ઉપરાષ્ટ્રપતિ પદ ભારતના બંધારણમાં બીજુ સૌથી મોટુ પદ ગણાય છે. ઉપરાષ્ટ્રપતિ રાજયસભાના અઘ્યક્ષ છે અને તેના માટે તેને એક લાખ જેટલો પગાર પણ મળે છે. જો રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપરથી રાજુનામુ આપે તો રાષ્ટ્રપતિનું પદ ખાલી રાખી શકાય નહીં. આ પરિસ્થિતિમાં વધુમાં વધુ ૬ મહીના સુધી રાષ્ટ્રપતિપદની જવાબદારી નિભાવી શકે છે. આ સમય દરમીયાન રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચુંટણી કરવામાં આવે છે.
લોકસભા અને રાજયસભામાં એનડીએનું પ્રભુત્વ છે અને સામાન્ય રીતે બહુમત સુધી પણ પહોંચતું હોવાના કારણે વૈકેયા નાયડુ ઉ૫રાષ્ટ્રપતિ બનશે તેવું આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે.