જામનગરમાં આગમન થતા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આવકાર્યા: પોરબંદરમાં કિર્તી મંદિરની પણ મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પી: સાંજે રાજકોટમાં આગમન: એક કલાકનું ટૂંકું રોકાણ
ઉપરાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળના અંતિમ દિવસોમાં આજે દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એક દિવસ માટે સૌરાષ્ટ્રની મૂલાકાતે આવ્યા છે. તેઓ સૌરાષ્ટ્રના અલગ-અલગ ચાર જિલ્લાઓની મૂલાકાત લેશે. આજે સવારે એરફોર્સના ખાસ પ્લેન મારફત તેઓનું જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મુખ્ય સચિવ સહિતના અધિકારીઓએ તેઓને સૌરાષ્ટ્રની પાવન ભૂમી પર સહર્ષ આવકાર્યા હતાં. ઉપરાષ્ટ્રપતિએ ધર્મપત્ની શ્રીમતી ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિશ્રીને પૂજન – અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. બાદમાં દેવકીજીના મંદિરમાં દર્શન કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અભિવ્યક્ત કરતા આશાપુરા રાસ મંડળી – મકનપુર દ્વારા અને કસ્તુરબાગાંધી વિદ્યાલય – આરંભડા દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સંગઠનના મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા, એસપી નિતેશ પાંડે, ગ્રામગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, સંગઠનના અગ્રણીઓ, મયુરભાઈ ગઢવી, શૈલેષભાઇ કણજારીયા, વિજયભાઈ બુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. શ્રાવણ માસમાં દેવદર્શનનું અનેરું મહત્વ છે ત્યારે તેઓ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશ તેમજ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે. દરમિયાન તેઓ પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરની પણ મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
પવિત્ર શ્રાવણ માસમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ પ્રથમ જ્યોર્તિંલીંગ સોમનાથ મહાદેવના દર્શન-પુજન કરી ધન્યતા અનુભવશે. સોમનાથની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સાથે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આજે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એક કલાક માટે રાજકોટની મુલાકાતે આવશે. સોમનાથથી રાજકોટ આગમન થયા બાદ ઉપરાષ્ટ્રપતિ એરફોર્સના ખાસ વિમાનમાં રાજકોટથી નવી દિલ્હી ખાતે રવાના થશે. અહીં તેઓનું મેયર, કલેક્ટર સહિતના પદાધિકારીઓ-અધિકારી ગણ દ્વારા સ્વાગત કરવામાં આવશે.