કુલ ૧૭ સભ્યોમાંથી કોંગ્રેસ પાસે ૧૬ સભ્યોનું સંખ્યાબળ: ભાજપ પાસે એક સભ્ય
ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત આગામી ૨૨મીએ પુરી થઈ રહી છે ત્યારે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખને ચુંટી કાઢવા માટે આગામી ૨૦મીએ ૪:૦૦ વાગ્યે ધોરાજી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના સભાખંડમાં બોર્ડના સભ્યોની મીટીંગ બોલાવવામાં આવી છે.
ઉપલેટા તાલુકા પંચાયતમાં છેલ્લા સાડા સાત વર્ષ થયા કોંગ્રેસના પંજાનું રાજ છે. ગત ટર્મમાં પાસના વાવાઝોડાને કારણે તાલુકામાં ભાજપના સુપડા સાફ કરી ૧૮ બેઠકોમાંથી ૧૬ બેઠકો તાલુકાની જનતાએ કોંગ્રેસને આપી હતી. જયારે બે બેઠકો ભાજપને આપી હતી. તેમાં ચાર મહિના પહેલા ઢાંક ગ્રામ પંચાયતની ચુંટણી યોજાતા તેમાં સરપંચપદે બદરૂભાઈ માંકડ ચુંટાઈ આવતા તેઓએ તાલુકા પંચાયતના સભ્ય તરીકે રાજીનામું આપતા એક બેઠક ખાલી થતા હાલ ૧૭ સભ્યો ધરાવતી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૧૬ અને ભાજપના એક સભ્ય છે. ગત ટર્મના અઢી વર્ષ માટે કોંગ્રેસ તાલુકાના યુવાન આહિર અગ્રણી લાખાભાઈ ડાંગરને પ્રમુખપદે બેસાડેલા હતા.
લાખાભાઈ ડાંગરે અઢી વર્ષના પ્રમુખપદ દરમ્યાન તાલુકાના ૫૨ ગામના વિકાસને પ્રાધાન્ય આપી સાથે-સાથે કોંગ્રેસ પાર્ટીને ધ્યાનમાં રાખી તમામ સમાજના નાના-મોટા અરજદારોને વ્યકિતગત રૂબરૂ મળી પ્રશ્નનો ઉકેલ લાવવામાં અગ્રેસર રહેતા તાલુકામાં તેની લોકપ્રિયતા અકબંધ છે. જયારે આગામી અઢી વર્ષના પ્રમુખપદ માટે મોટાભાગના સભ્યો જેના નામ ઉપર સહમત છે તેવા જયાબેન ડાંગર અગાઉ સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર કોંગ્રેસ પ્રેરિત તાલુકા પંચાયત હતી ત્યારે તેઓ સફળ રીતે પ્રમુખપદની જવાબદારી સંભાળી ચુકયા છે. તેઓએ કોઈના લાભ-લાલચમાં આવ્યા વગર સતત સરકાર સામે લડી તાલુકાના વિકાસમાં મહત્વનું યોગદાન આપેલ. પાંચ વર્ષના સતાકાળ દરમ્યાન જયાબેન ડાંગર સામે ત્રણ-ત્રણ વખત અવિશ્વાસની દરખાસ્ત આવતા તેની સામે પુરી તાકાતથી લડી આ ત્રણ અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરીયું સાબિત કરી દીધેલ ત્યારે આગામી ૨૦મીએ યોજાનાર પંચાયતના પ્રમુખની ચુંટણીમાં પ્રમુખપદના તાજ જયાબેન ડાંગરના શિરે નિશ્ચિત હોવાનું જણાઈ રહ્યું છે.
આ અંગે અમારા પ્રતિનિધિ ભરત રાણપરિયાએ જયાબેન ડાંગરનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખની જવાબદારી કોંગ્રેસ પાર્ટી નકકી કરશે. કોંગ્રેસ પાર્ટી જેના ઉપર કળશ ઢોળે તેની સાથે કોંગ્રેસ પાર્ટીના સભ્યો રહેશે. પાર્ટી મને જવાબદારી આપશે તો નિભાવવા માટે તૈયાર છું બાકી કોંગ્રેસ પાર્ટીનો નિર્ણયને વફાદાર રહીશ.