- ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
- રાષ્ટ્રની સુરક્ષા માટે ફોરેન્સિક સાયન્સ મહત્વપૂર્ણ
- ભારત ડિજિટલ વ્યવહારોમાં વિશ્વમાં અગ્રેસર છે ત્યારે સાઈબર સિક્યુરિટી ખૂબ જ મહત્વની
ગાંધીનગર ખાતે NFSUના વિદ્યાર્થીઓને સંબોધતા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ - ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિ
- ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી-NFSUના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ પ્રોટોકોલ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ ધનખડે રાષ્ટ્રીય સુરક્ષા, ન્યાય અને વિકાસમાં સંસ્થાના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ફોરેન્સિક સાયન્સ એ રાષ્ટ્રની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. ફોજદારી ન્યાય પ્રણાલીમાં ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા છે. ‘પુરાવા’ એ અભિપ્રાયો કરતા વધુ મહત્વના છે, આ દિશામાં પ્રગતિથી માત્ર દોષીઓને દોષિત ઠેરવવા જ નહિ પરંતુ નિર્દોષને સુરક્ષિત રાખવા પણ તેટલું જ જરૂરી છે જેનાથી ભારતના કાયદા વધુ મજબૂત થશે. ફોરેન્સિક સાયન્સના વિધાર્થીઓ સત્યને ઉજાગર કરી નિર્દોષ નાગરિકોને ન્યાય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે, NFSUના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં નિર્દોષ નાગરિકો અને ન્યાય વચ્ચેનો સેતુ બનશે. કોઈપણ ગુનાની નિષ્પક્ષ રહીને તપાસ કરવી આપણું કર્તવ્ય છે. તમારી આવડતના પરિણામે આપણે આતંકવાદ અને પૂર્વ આયોજિત ગુનાહિત પ્રવૃત્તિઓ સામે લડી શકીશું. તેમણે વિદ્યાર્થીઓને સરકારી નોકરીની સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ રહેલી સારી તકો ઝડપી લેવા અનુરોધ કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે,ભારત ડિજિટલ વ્યવહારોમાં વિશ્વમાં અગ્રેસર છે ત્યારે સાઈબર સિક્યુરિટી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. વૈશ્વિક સ્તરે ભારત પ્રગતિની નવી દિશાઓ સર કરી રહ્યું છે. ભારત વૈશ્વિક સ્તરે ડિજિટાઇઝેશન ક્ષેત્રમાં ૫૦% થી વધુ હિસ્સો ધરાવે છે. આપણા દેશનો ઈન્ટરનેટ વપરાશ યુએસ અને ચીનના ઈન્ટરનેટ વપરાશ કરતાં પણ વધુ છે. સાથે જ વર્ષ ૨૦૨૫માં ભારત ૬-જી લોન્ચ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વિકાસ સાથે આપણે ભાવિ પેઢી માટે પર્યાવરણનું પણ રક્ષણ કરવું પડશે. જેમાં ફોરેન્સિક સાયન્સ મોટી ભૂમિકા ભજવશે.
ભારતે જે સફળતા છેલ્લા ૬ વર્ષમાં હાંસલ કરી છે તે સામાન્ય રીતે ચાર દાયકામાં પણ હાંસલ કરવી શક્ય નથી. ભારત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં રોકાણ અને તકો માટે મનપસંદ વૈશ્વિક સ્થળ બન્યું છે. ભારત એ એક માત્ર એવું અર્થતંત્ર છે કે જે વૈશ્વિક પડકારો, કઠિન પરિસ્થિતિ અને સમસ્યાઓ છતાં ઉન્નતિની દિશામાં છે તેમ,તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત હવે વિદેશી રોકાણકારોની પહેલી પસંદ બન્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને આપણે સૌ સાથે મળીને સાકાર કરીએ તેમ, જણાવી ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખડે આ પ્રસંગે વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉપરાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં ગુજરાતમાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતીની સરાહના કરતાં જણાવ્યું હતું કે,ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને હું જ્યારે પણ મળું છું ત્યારે ખેડૂત તરીકે કંઈક નવું શીખું છું અને આ નવીન કાર્યશૈલીને વધુ પ્રમાણમાં દેશના નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. તેમની કૃષિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કૃષિમાં નવીનતા ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે, હું તેમને આ ક્ષેત્રે ભવ્ય સફળતાની શુભેચ્છા
પાઠવું છું.
NFSUના વાઈસ ચાન્સેલર ડૉ. જે.એમ.વ્યાસે યુનિવર્સિટી ખાતે પ્રથમવાર પધારેલા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2008માં આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું સૌ પ્રથમ કેમ્પસ ગાંધીનગર ખાતે શરૂ થયું હતું. આજે આ યુનિવર્સિટી ગાંધીનગર, દિલ્હી, ગોવા, ત્રિપુરા, ગુવાહાટી, ભોપાલ, ધારવાડ સહિત ભારતમાં કુલ 10 તેમજ યુગાન્ડામાં એક કેમ્પસ ધરાવે છે. આ યુનિવર્સિટીમાં અંદાજે 6000 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંશોધન પણ કરી રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે યુનિવર્સિટી ખાતે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ ‘એક પેડ મા કે નામ’ અંતગર્ત વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં NFSU દિલ્હી, ભોપાલ અને ધારવાડ વિવિધ કેમ્પસના વિદ્યાર્થીઓ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે, એમ.એસ. યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.