શ્રાવણ માસમાં ઉપરાષ્ટ્રપતિએ પરિવાર સાથે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા
ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા સોમનાથ મંદિરને ૧૨ જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે. શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ છે. ત્યારે આ સમયે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુએ સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
સૌ પ્રથમ સોમનાથના પંડિતો અને ઋષિકુમારો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિશ્રી સાથે જ તેમના ધર્મપત્ની શ્રીમતી ઉષાબહેને પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિના હસ્તે પૂજન, અર્ચન કરાવવામાં આવ્યું હતું.
સોમનાથ મંદિરમાં ઉપરાષ્ટ્રપતિએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દાન કરવામાં આવેલી ત્રણ ઇલેક્ટ્રીક કાર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી આ કાર્ટમાં બેસી ઉપરાષ્ટ્રપતિ અને મહાનુભાવોએ સોમનાથ મંદિરની ફરતે પરિક્રમા કરી હતી. નોંધનીય છે કે, શ્રાવણ મહિનામાં જ્યારે યાત્રાળુઓનો પ્રવાહ અને ધસારો સોમનાથ મંદિર તરફ વધતો રહે છે ત્યારે પર્યટકોને સોમનાથ મંદિરમાં પરિક્રમા કરવા માટે વિશેષ સુવિધા સ્વરુપ ભેટ મળી છે. આ ઉપરાંત ‘હર ઘર તિરંગા અભિયાન’ અન્વયે બહેનોએ ભારત માતા કી જય અને જય હિન્દના નારાઓ લગાવી ઉપરાષ્ટ્રપતિજીનું અભિવાદન કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિએ સોમનાથ મંદિરની મુલાકાત પુસ્તિકામાં પ્રતિભાવ લખતા જણાવ્યુ હતુ કે, આ મંદિરની મુલાકાત લઇ મને ખૂબ જ આનંદ થયો છે, શિલ્પની દ્રષ્ટિએ સોમનાથ મંદિર એ ભવ્યતાનું પ્રતિક છે. આ મંદિર સાથે આધ્યાત્મિક શક્તિ અને આસ્થા પણ જોડાયેલા છે. ખાસ કરીને યુવાનોને મારો અનુરોધ છે કે, તેઓ આ મંદિરની ભવ્યતાને નિહાળે. અંતમાં ઉપરાષ્ટ્રપતિએ પરિવારજનો સાથે સોમનાથના દિગ્વિજય દ્વાર સામે રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદન કર્યા હતા અને આ લોખંડી પુરુષને ગરિમાપૂર્વક વંદન કરી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ફૂલ અર્પણ પણ કર્યા હતાં. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના ઈતિહાસ વિશે તેલુગુ સહિત ૧૨ ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાંથી ઉપરાષ્ટ્રપતિશ્રીને તેલુગુ ભાષામાં પ્રકાશિત આ પુસ્તક પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભેટ આપવામાં આવ્યું હતું.
આ તકે સોમનાથ મહાદેવના દર્શને શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસરશ્રી જ્વલંત ત્રિવેદી, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, પૂર્વમંત્રી જશાભાઈ બારડ, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવા, વેરાવળ નગરપાલિકા પ્રમુખશ્રી પિયૂષભાઇ ફોફંડી, સોમનાથ મંદિર ટ્રસ્ટી પી.કે.લહેરી, જે.ડી.પરમાર, સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.