દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવના પ્રવાસે પધાર્યા છે. ત્યારે તેમનું દમણ ખાતે રાષ્ટ્રીય સન્માન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના ઉપરાષ્ટ્રપતિ સંઘ પ્રદેશના રાજકીય મોંઘેરા મહેમાન બનીને આવ્યા છે ત્યારે તેમની યાત્રાને લઈને એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે આજ ના કાર્યક્રમમાં પ્રસાશક પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમના સવાગતમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દમણના પ્રવાસે આવેલા ઉપરાષ્ટ્રપતિના હસ્તે દમણના જમ્પોર બીચ પર વિશાળ પક્ષી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે દરિયા કિનારે 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ દેશનું સૌથી મોટું પક્ષીઘર હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ સાથે આ પક્ષી ઘરમાં દુનિયાના 5 ખંડોના દેશોના 600થી વધુ વિદેશી દુર્લભ પક્ષીઓને રાખવામાં આવ્યા છે. ત્યારે આ પ્રસંગે તેમના પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની સાથે પ્રદેશના સાંસદ ઉમેશ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.
પક્ષી ઘરનું લોકાર્પણ કરતા ઉપરાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવોએ પિંજરામાં બંધ પક્ષીઓને ખુલ્લા આકાશમાં ઉડતા મૂક્યા હતા. અંદાજે 3 હેક્ટર વિસ્તારમાં 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ પક્ષીઘરમાં દુનિયાના 5 ખંડના દેશોના 600થી વધુ દુર્લભ વિદેશી પક્ષીઓ રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અહીં 2000થી વધુ વિદેશી પક્ષીઓ રાખવામાં આવશે.
દરિયા કિનારાનું પક્ષી ઘર દેશનું સૌથી મોટું પક્ષીઘર હોવાનું મનાય છે. જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને પર્યટનના વિકાસને વેગ મળશે. વધુમાં વધુ પર્યટકો પ્રદેશમાં આવશે પરિણામે અહીં રોજગારીના નવા અવસર પણ ઉભા થશે અને નાનકડા પ્રદેશનો ચોમેર વિકાસને વેગ મળશે તેમ માની રહ્યા છે.