- ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેતા ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્નેહ મિલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સાબરમતીની કાયાપલટ થકી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પામ્યો. તેમણે સૌને સાથે રાખીને રાજ્યને વિકાસના માર્ગે અગ્રેસર રાખ્યું હતું. તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આજે ટોચની 500 કંપનીમાંથી 100થી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગ્રીન એનર્જી, સેમિક્ધડકટર જેવા નવીન ક્ષેત્રોમાં આપણે ઉત્તમ વિકાસ સાધી રહ્યા છીએ, તો સાથે સાથે પ્રાકૃતિક કૃષિ જેવી મુહીમના લીધે આપણે મિશન લાઈફનો મંત્રને પણ સાકાર કરી રહ્યા છીએ.
‘યહીં સમય હે, સહી સમય હે’ એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રે સોનેરી સમય છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે.
મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં જીસીસીઆઇ સહીત વેપાર ઉદ્યોગોનું યોગદાન મહત્વનું રહેવાનું છે એમ જણાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે પરિવર્તન જરૂરી બન્યું છે. આધુનિક સમયમાં જીવનમાં સુખ દુ:ખ, જીવનમૂલ્યો અને સામાજિક આદર્શોના પરિમાણો બદલાયા છે ત્યારે આપણી આવનારી પેઢી વધુ ચારિત્ર્યવાન બને એ આપણી સૌની જવાબદારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરે સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના બે વર્ષ હમણાં જ પૂર્ણ થયા છે.મુખ્યમંત્રીના નેતૃત્વમાં આજે વિવિધ બિઝનેસ ફેન્ડલી પોલિસી, સહાયો અને યોજનાઓના યોગ્ય અમલીકરણના લીધે રાજ્યમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ખરાં અર્થમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની સંકલ્પના સાકાર થઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.