શાપરમાં ’વાયબ્રન્ટ રાજકોટ’નું 15મી ઓક્ટોબરના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેવાના છે. શહેર અને ગ્રામ્ય કક્ષાની ઇવેન્ટનું એક સાથે જ યોજાનાર છે.
ગુજરાત રાજ્યમાં વેપાર-ધંધા-ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતી “વાઇબ્રન્ટ સમિટ-2024” આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે, જેમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો અને વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા ઉદ્દેશ્યથી રાજકોટ જિલ્લા કક્ષાએ આગામી15મીએ ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ રાજકોટ’નો કાર્યક્રમ યોજાશે.
મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્મા રહેશે ઉપસ્થિત
શહેર અને ગ્રામ્ય કક્ષાની ઇવેન્ટનું એક સાથે જ આયોજન
“વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ રાજકોટ” ઈવેન્ટમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. જેમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, સ્ટાર્ટ અપ્સ, સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો, ખાદી અને ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરેને પણ આ કાર્યક્રમોમાં સાંકળવામાં આવશે. આ એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરાયેલી પ્રોડક્ટ્સને અગ્રતા આપવામાં આવશે.
વાયબ્રન્ટ રાજકોટ ઇવેન્ટની તૈયારીઓનો હાલ ધમધમાટ ચાલી રહ્યો છે. આ ઇવેન્ટ શાપરમાં યોજાનાર છે. જેમાં અંદાજે 500 જેટલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે. એન્જીનીયરીંગ અને સિંગલ ઇકત પટોળા આ બે મુખ્ય પ્રોડક્ટ ઉપર આ ઇવેન્ટ યોજાનાર છે. આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ છે. જેમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.