૨૦૧૯નાં વાઈબ્રન્ટ બાદ ૧૬૨૫ પ્રોજેક્ટસ શરૂ: ૨૯૩૭ કરોડનું કરાયું રોકાણ

ગુજરાત રાજયમાં છેલ્લા ઘણા વર્ષોથી રોકાણો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ અમિત ચાવડાએ વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પ્રશ્ર્ન કર્યો હતો કે, વાઈબ્રન્ટથી રાજયને કેટલો ફાયદો થયો છે  ત્યારે આ પ્રશ્ર્નનાં ઉતરમાં ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સવિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજય માટે વાઈબ્રન્ટ રંગ લાવ્યું છે તથા સરકારનાં પ્રયત્નોથી ૩ લાખ કરોડથી વધુનાં રોકાણો પણ શકય બન્યા છે. તેઓએ ૨૦૧૯નાં વાઈબ્રન્ટની માહિતી આપતાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ પૂર્ણ થતાની સાથોસાથ અત્યાર સુધીમાં કુલ ૧૬૨૫ પ્રોજેકટો શરૂ થઈ ગયા છે જેમાં ૨૯૩૭ કરોડનું રોકાણ પણ કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાનાં ઉદભવિત પ્રશ્ર્નનાં જવાબમાં મુખ્યમંત્રીએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૭ વાઈબ્રન્ટ સમિટમાં ૧૫,૨૮૯ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૩.૩ લાખ કરોડનાં રોકાણો પણ શકય બન્યા છે. ૨૦૧૯ વાઈબ્રન્ટ સમિટમાં કુલ ૨૯૩૭ કરોડનાં રોકાણો આવતા એ વાત સ્પષ્ટ થાય છે કે, ગુજરાત માટે વાઈબ્રન્ટ ખુબ જ સફળ રહ્યું છે. આ તકે મુખ્યમંત્રીએ કઈ કંપની દ્વારા કેટલા કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી ન હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા રોકાણો અને પ્રોજેકટો વિશે જ મુખ્યત્વે માહિતી આપવામાં આવી હતી.

વધુમાં વિજયભાઈ રૂપાણીએ જણાવતાં કહ્યું હતું કે, વાઈબ્રન્ટમાં નકકી થયેલા પ્રોજેકટોમાં મહતમ પ્રોજેકટો એમએસએમઈ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે જે અંગે તેમની સાથે સરકારનાં એમઓયું પણ શકય બન્યા છે. એમઓયુની જયારે વાત કરવામાં આવે તો રોડ, રેલ, રૂરલ ડેવલોપમેન્ટ, સ્પોર્ટસ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ સહિતનાં ક્ષેત્રે અનેકવિધ એમઓયુ કરવામાં આવ્યા છે. જયારે એજયુકેશન એગ્રો એન્ડ ફુડ પ્રોેસેસીંગ, કેમીકલ એન્ડ ફાર્માસ્યુટીકલ જેવા અનેકવિધ ક્ષેત્રોમાં નિમ્ન રોકાણો થયા હોવાનું તેઓએ જણાવ્યું હતું. વાઈબ્રન્ટનાં આંકડાકિય માહિતી મળતાની સાથે જ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ટીકા કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા જે આંકડાકિય માહિતી આપવામાં આવી રહી છે તે સાચી નથી અને રોજગારી અને ટેકસ કલેકશનમાં કોઈ જ પ્રકારનો વધારો થવા પામ્યો નથી. આ તકે તેઓએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જો ગુજરાત સરકાર રોકાણનાં મુદ્દે જયારે એમ જણાવે છે કે, રાજયમાં ખુબ જ વધુ રોકાણો આવ્યા છે તો ટેકસ કલેકશન અને રોજગારીમાં ઘટાડો કયાં કારણોસર આવી રહ્યો છે ત્યારે રાજયનાં જીડીપીમાં સહેજ પણ વધારો થયો નથી તેમ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું પરંતુ એ વાત નકકી છે કે વાઈબ્રન્ટ સમિટ શરૂ થતાની સાથે જ ગુજરાત રાજયમાં અનેકવિધ વિદેશી રોકાણો આવ્યા છે અને રાજયને તેનો ફાયદો પણ થયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ રથ આગળ ધપાવવા અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. જેમાં વાઇબ્રન્ટ ગુજરાત પણ એક મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી રહ્યા હતા તે સમયથી તેઓએ વાઇબ્રન્ટ શરૂ કરતા વિદેશી રોકાણોને નિયમિત ગુજરાતમાં લાવવા માટે પ્રયત્નો કર્યા હતા. જેનાથી ગુજરાતનો વિકાસરથ આગળ વધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.