રાજકોટમાં 15મીએ એક જ દિવસે વાયબ્રન્ટ રાજકોટ અને જીપીએસસીની પરીક્ષા આ બે મુખ્ય ઇવેન્ટ હોય કલેકટર તંત્રમાં સ્ટાફની ભારે ખેંચાખેચી થઈ છે. એક તરફ હાલ 5 ડે. કલેકટરોની જગ્યા ખાલી હોય જેને પગલે બદલી પામેલા અધિકારીઓને 15 મી સુધી ચાર્જ છોડવા દેવામાં ન આવે તેવી શકયતા સેવાઈ રહી છે.
પાંચ ડે. કલેકટરોની જગ્યા ખાલી: બદલી પામેલા બે ડે. કલેકટરોને 15મી સુધી ચાર્જ છોડવા ન દેવાય તેવી શકયતા
રાજકોટમાં આગામી 15મીએ વાયબ્રન્ટ રાજકોટ ઇવેન્ટ યોજાનાર છે. આ ઉપરાંત તે જ દિવસે જી. પી.એસ.સી. દ્વારા નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર, વર્ગ -3 ની પરીક્ષા રાજકોટ શહેરના 66 પરીક્ષા કેંદ્રો ખાતે લેવામાં આવનાર છે. પરીક્ષાનો સમય 11-00 થી 1-00 છે. પરીક્ષાર્થીની સંખ્યા- 14502 છે. આ પરીક્ષામાં સુપરવિઝનની જવાબદારી સોંપવા કલેકટર તંત્ર પાસે બે ડેપ્યુટી કલેકટર નથી. સુપરવિઝન માટે કેના હુકમ કરવા તે મુશ્કેલી છે. કારણકે તાજેતરમાં જ ગ્રામ્ય પ્રાંત અને ડીએસઓની બદલીના ઓર્ડર થઈ ગયા છે. જેથી જિલ્લામાં 5 ડે. કલેકટરની જગ્યા ખાલી છે. આ બે અધિકારીઓની બદલી થઈ તેને 15 મી સુધીમાં ચાર્જ નહિ છોડવા દેવાની હાલ વિચારણા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે એક જ દિવસે બે મહત્વની ઇવેન્ટ હોય હાલ સ્ટાફને લઈને ખેંચાખેચી થઈ રહી છે. આ ઉપરાંત પણ જિલ્લામાં મહેકમને લઈને પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી ચાલતો આવ્યો છે. જેને પગલે સ્ટાફ ઉપર ભારણ વધી રહ્યું હોય મહેસુલ તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની ખાલી જગ્યા પુરવામાં આવે ત્યારે જ રાહત મળી શકે તેમ છે.