સમિતિમાં અત્યાર સુધી 7 હજારથી વધુ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન: 18 દેશોએ કન્ટ્રી પાર્ટનર બનાવની સંમતિ સ્વીકારી

અબતક-રાજકોટ

ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2022ની તડામાર તૈયારીઓ વચ્ચે ગયા વર્ષે ભાગીદાર બનવા પર ઇન્કાર કરનાર યુકે આ વર્ષે સમિટમાં કન્ટ્રી પાર્ટનર બન્યું છે. આ સાથે અન્ય 18 દેશોએ પાર્ટનર કન્ટ્રી બનવાનો ગુજરાતનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે.ગુજરાતમાં આવવાનો ફાયદો થતો નથી તેવા વલણ સાથે ગત સમિટમાં યુકેએ પાર્ટનર કન્ટ્રી બનવાનો ગુજરાત સરકારનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. જોકે, યુએસએ સતત બીજી વખત પાર્ટનર કન્ટ્રી બનવાથી દૂર રહ્યું છે.

ગત સમિટમાં 16 દેશો જોડાયા હતા જ્યારે આ વખતે 18 દેશો સમિટના પાર્ટનર બન્યા છે એટલે કે વધુ બે દેશો આ વખતે આ સમિટમાં ભાગ લેશે. જર્મની, ઇટલી, મોઝામ્બિક અને શ્રીલંકા જેવા દેશો પણ આ વખતે જોડાયા છે. ઓમિક્રોન સંક્રમણને કારણે ભારત સરકારે હાઇ રિસ્ક કેટેગરીમાં મૂક્યા છે તેવા દેશોના નામ પણ પાર્ટનર કન્ટ્રીમાં સામેલ છે.

વાઇબ્રન્ટ સમિટમાં આટલા પાર્ટનર કન્ટ્રી

ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, લક્ઝમ્બર્ગ, મોઝામ્બિક, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, શ્રીલંકા, સ્વિડન, યુએઇ, યુકે

વાયબ્રન્ટ સમિટ માટે અત્યારસુધીમાં 7 હજારથી વધુ વ્યક્તિગત રજિસ્ટ્રેશન થયા છે જ્યારે 4884 કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું છે.ઓમિક્રોનના ભય વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજાઇ રહી હોવાથી શરૂઆતના તબક્કે પાર્ટનર કન્ટ્રી બનવા દેશોનું ક્ધફર્મેશન મળ્યું ન હતું, પરંતુ હવે ગુજરાત સરકારનો પ્રસ્તાવ સ્વીકારીને 18 દેશોએ પાર્ટનર કન્ટ્રી બનવાની સંમતિ આપી છે. આ દેશો હવે વાઈબ્રન્ટ સમિટની 10મી આવૃત્તિમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે.

રાજયના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેલંગણાના હૈદરાબાદ અને ઉત્તરપ્રદેશના લખનઉમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત રોડ-શો યોજયો હતો. બંન્ને મંત્રીઓએ ઉદ્યોગકારોને ફાર્મા, કાપડ ,રિન્યુએબલ એનર્જી, એરોસ્પેસ, હેવી એન્જિનિયરીંગ, ઓટો મોબાઇલ, કાપડ, મરીમસાલા, વસ્ત્રો, હોર્ટિકલ્ચર સહિતના ઉદ્યોગો ગુજરાતમાં સ્થાપવા માટે આમંત્રણ આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.