મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં 14 મિનિટમાં 14 હજાર કરોડના એમઓયુ સંપન્ન

જેસીબી 2022 સુધીમાં હાલોલમાં પ્લાન્ટ નાખશે: અવાડા એનર્જી 20 હજાર કરોડનું રોકાણ કરવા ઉત્સુક

ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ હવે 10થી 12 જાન્યુઆરી, 2022 વચ્ચે યોજાશે. આ સમિટની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25મી નવેમ્બરે દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે મુડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. ગાંધીનગરમાં આજે સવારે સાડા અગિયાર વાગ્યાથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તા અને ઉદ્યોગકારો વચ્ચે એમઓયુ થયા હતાં. આજે માત્ર 14 મિનિટમાં 14 હજાર કરોડના એમઓયુ થયાં હતાં. જેમાં 28 હજાર 500 લોકોને રોજગારી આપવાની ખાતરી દર્શાવવામાં આવી હતી. જેમાં 2022 સુધીમાં હાલોલ ખાતે જેસીબી કંપની પોતાનો પ્લાન્ટ સ્થાપશે તો બીજી તરફ એવાડા એનર્જી 20 હજકર કરોડ સુધીનું રોકાણ કરવા માટેનું ઉત્સુકતા દર્શાવી છે.

આજે સવારે સાડા અગિયારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તાએ કરાર શરૂ કર્યાં હતાં. જેમાં માત્ર એક જ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ સાથે એક કે બે નહીં પરંતુ પાંચ- પાંચ એમઓયુ કરવામાં આવ્યાં હતાં. આજે માત્ર 14 મિનિટમાં જ 14 હજાર કરોડના એમઓયુ થયા હતાં. 4 મિનિટ મુખ્યમંત્રીનું પ્રવચન ચાલ્યું હતું અને આખો કાર્યક્રમ માત્ર 18 મિનિટમાં જ પૂરો થઈ ગયો હતો. છેલ્લા બે સોમવારમાં કુલ 38 હજારના એમઓયુ કરવામાં આવ્યાં છે.જેમાં 65 હજારથી વધુ લોકોને રોજગારી આપવાની તત્પરતા દર્શાવવામાં આવી છે.

દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે.સી.બીના સીઈઓ દીપક શેટ્ટી સાથે થયેલી બેઠકમાં દીપક શેટ્ટીએ ગુજરાતમાં હાલોલ ખાતે 650 કરોડના રોકાણ સાથે 1100 લોકોને રોજગાર અવસર આપતો પ્લાન્ટ આગામી એપ્રિલ 2022 સુધીમાં શરૂ કરવાનું આયોજન વ્યક્ત કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ આગામી વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા તેમને પણ આમંત્રણ આપ્યું હતું. જ્યારે અર્બન કંપનીના સીઈઓ અભિરાજ સિંહ ભાલે કહ્યું હતું કે અર્બન કંપની એશિયાનું સૌથી મોટું ઓન ઈન સર્વિસ પ્લેટફોર્મ છે. દેશનાં 50 શહેર અને ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ અને ગાંધીનગરમાં તેમની કંપની સેવાઓ આપે છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાના એમ.ડી. ક્ધિચી આયુકાવાએ ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા 16 હજાર કરોડના મૂડીરોકાણની પણ વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને એવો પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ મારુતિ સુઝુકી ઇન્ડિયાના એમ.ડી.ક્ધિચી આયુકાવાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું. અવાડા એનર્જી પ્રા.લિ.ના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં તેમણે આવનારાં પાંચ વર્ષમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં 20 હજાર કરોડના તેમના રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

જ્યારે દિલ્હી ખાતે ઑયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકોની મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં તેમણે ગુજરાતમાં 750 હોટલ સાથે સંકળાયેલા છે અને 7500 લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી તેઓ પૂરી પાડે છે, એની વિગતો ભૂપેન્દ્ર પટેલને આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોમ સ્ટે અને અન્ય સ્થળોએ પણ તેમના ગ્રુપ દ્વારા સહભાગિતા થકી વધુ રોજગાર અવસર ગુજરાતમાં પૂરા પાડવા તેઓ પ્રયાસરત છે. પી.આઈ. ઇન્ડસ્ટ્રીના એમ.ડી અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલે આ બેઠકમાં કહ્યું હતું કે પી.આઇ ઝડપથી વિકસી રહેલી કૃષિ વિજ્ઞાન કંપની છે અને ગુજરાતમાં પાનોલી જંબુસરમાં પોતાના અતિઆધુનિક ઉત્પાદન એકમો ધરાવે છે. આ બેઠકમાં તેમણે આગામી વાઈબ્રન્ટમાં જોડાવા અને રોકાણ માટે તેમણે પણ તત્પરતા દર્શાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.