મુકાંમ્બિકા મંદિરેથી શરૂ થયેલી રથયાત્રા રામનવમીએ અયોઘ્યા પહોંચશે
રામરાજયની પુન: સ્થાપના અર્થે મુકાંમ્બિકા મંદિરેથી નિકળેલી શ્રીરામ રાજય રથયાત્રા આવતીકાલે રાજકોટ આવી રહી છે ત્યારે વિહિપ દ્વારા સર્વે રામભકતોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. પૂજનીય જગદગુરુ સ્વામી સત્યાનંદ સરસ્વતીએ શ્રીરામ રથયાત્રા સાલ-૧૯૯૧માં કર્ણાટકના મુકાંમ્બિકા મંદિરથી શરૂ કરી. રામ રથયાત્રા કેરળ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજયોમાં ભકિત આદર સાથે શ્રીરામનવમીના અવસર પર મનાવવામાં આવે છે. વિવિધ હિન્દુ સંસ્થાઓના સહયોગથી રામ રાજય રથયાત્રા ૨૦૧૮ ફેબ્રુઆરી, ૧૩ને શિવરાત્રીના શુભ દિવસે રામ જન્મભૂમિ અયોઘ્યાજીથી શરૂ કરીને ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ થઈને તમિલનાડુ રામેશ્વર સુધી પહોંચી રામનવમીના દિવસે અયોઘ્યા પહોંચશે.
રથયાત્રાનું માર્ગદર્શન પ.પૂ.સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતી તેમજ નેતૃત્વ શકિત શાંતાનંદ મહર્ષિ કરી રહ્યા છે. રામ રાજય રથયાત્રાના પાંચ લક્ષ્ય રામ રાજયની પુન: સ્થાપના, ભારતના શિક્ષણમાં રામાયણનું અંતર્ભુત, શ્રીરામ જન્મભૂમિમાં ભવ્ય રામમંદિર નિર્માણ, સમસ્ત ભારતમાં ગુરુવારના દિવસે સાપ્તાહિક રજા જાહેર કરવી અને વિશ્વ હિન્દુ દિવસ જાહેર કરવાનો છે. વિશ્વ શાંતિ અને વિશ્ર્વ માનવના વિકાસ માટે ઉપરોકત પાંચ લક્ષ્ય ભારત સરકાર સમક્ષ રજુ થશે. રથયાત્રા-૨૦૨૦નો સંકલ્પ શ્રીરામજી અશ્વમેઘ યજ્ઞની સાથે રામરાજયની સ્થાપનાનો છે. રથ (યાગાશ્વ) અયોઘ્યાથી કાશ્મીર જશે. કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી જશે.
આ રથયાત્રામાં મુખ્ય રથ તા.૨૭/૦૩/૨૦૧૯ને બુધવારના રોજ રાજકોટ શહેરમાં પધારવાનો હોય જેનો સમગ્ર જાહેર જનતાને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. દર્શનનો લાભ લેવાની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગદળ, દુર્ગાવાહિની દ્વારા કરવામાં આવેલ છે. રથ સાંજે ૫ વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ થઈ રણછોડદાસ આશ્રમ, બાલક હનુમાન ચોક, પેડક રોડ, પટેલવાડી, પારેવડી ચોકડ, કેશરી હિન્દ પુલ, હોસ્પિટલ ચોક, જયુબેલી ગાર્ડન, ત્રિકોણબાગ, માલવીયા ચોક, ડો.યાજ્ઞિક રોડ, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, અંડરબ્રીજ કાલાવડ રોડથી લઈ બીએપીએસ કાલાવડ રોડ મંદિર ખાતે પૂર્ણ થશે.