વધુ ભારણથી હોસ્પિટલની લીફટનો ભુસ્કો: મોટી દુર્ઘટના સહેજમાં ટળી
ઈંદૌરમાં ખાનગી હોસ્પિટલની અવરલોડેડ લીફટ ધડાકાભેર તળીયે પટકાવાની ઘટનામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનું સાથીદારો સાથે બાલ…બાલ… બચાવ થયો હતો. મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો ગઈકાલે ખાનગી હોસ્પિટલની ઓવરલોડેડ લીફટ તૂટી પડવાની દુર્ઘટનામાં બાલ…બાલ… આબાદ બચી ગયા હતા. કમલનાથ સાથે સર્જાયેલી આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ઘટના અંગે પૂર્ણ તપાસના ઈંદૌર કલેકટર મનિષસિંઘે આદેશ જારી કર્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કમલનાથ સાથે ટેલીફોનિક ચર્ચા કરી તેમની સ્વાસ્થ્ય અંગેની શુભકામના પાઠવી હતી.
કમલનાથે રવિવારે ઈંદૌરમાં પક્ષના કાર્યકરો સાથેની બેઠક યોજવા ગયા હતા. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ પ્રચારમાં વ્યસ્ત કમલનાથ એલજી સ્કવેર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં તેમના સાથીદાર પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા રામેશ્ર્વર પટેલને મળવા ગયા હતા. કમલનાથ સાથે પૂર્વ મંત્રીઓ જીતુ પટવારી, સજ્જનસિંગ વર્મા, વિશાલ પટેલ અને અન્ય નેતાઓ પણ હતા. લીફટમાં ૬-૭ વ્યક્તિઓની પરિવહન ક્ષમતા હતી. તેના બદલે ૧૪ વ્યક્તિઓ ચડી જતાં ઓવરલોડ અને વધુ વજનના કારણે લીફટ ધડાકાભેર બેઝમેન્ટમાં પટકાઈ હતી. પૂર્વ ધારાસભ્ય સત્યનારાયણ પટેલે આ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે, વધુ વજનના કારણે લીફટ અધ્ધર જવાના બદલે નીચે ધસમસી ગઈ હતી. જો કે સદ્નસીબે કોઈને જાનહાની થઈ ન હતી.
નીચે સરકી ગયેલી લીફટમાં કમલનાથ સહિતના તમામને દાદરા મારફત ત્રીજા માળે લઈ આવવામાં આવ્યા હતા. ત્યાં ધારાસભ્ય સત્યનારાયણના પિતાને મામુલી ઈજાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.
દર્દીની ખબર પુછીને કમલનાથ અને તેમના સાથીદારો બહાર નીકળ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં એ.એસ.પી. રાજેશ રઘુવંશીએ ઘટના સ્થળે જઈ તપાસનો દૌર સંભાળ્યો હતો. જો કે તેમણે આ અંગે હાલ કંઈ જ કહેવાનો ઈન્કાર કર્યો હતો. આ ઘટનાની જાણ થયાં બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રવકતા નરેન્દ્ર સાલુજાએ અખબારી યાદી પ્રસિધ્ધ કરી લીફટ ૧૦ ફૂટ નીચે ધસી ગઈ હતી. તેમણે સુરક્ષાની નબળી સ્થિતિની ટીકા કરી હતી અને હોસ્પિટલ સત્તાવાળાઓના સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના સાથીદારો ત્રીજા માળે જતાં હતા ત્યારે લીફટ ૧૦ ફૂટ નીચે ધસી આવી હોવાનું અને લીફટમાં ધુળ અને કચરો હોવાથી દરવાજો ખોલવામાં મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું.