હાઈકોર્ટે વચગાળાના રાહત આપી હોવા છતાં આગોતરા જામીનની માંગણીના વિરોધમાં સરકારપક્ષની રજૂઆત
વેસુના વિવાદી જમીન પ્રકરણમાં ઉમરા પોલીસે કોર્ટમાંથી મેળવેલુ મુજબનું ધરપકડ વોરંટના મામલે હાઈકોર્ટમાંથી તા.૧૦મી જુલાઈ સુધી ધરપકડ ન કરવાની રાહત મળી હોવા છતાં સુરત કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી સામે સરકારપક્ષે અરજી કરી આગોદરા જામીન અરજી ટકવાપાત્ર ન હોવાની રજૂઆત કરી હતી. જેનો જવાબ આપવા બચાવપક્ષે મુદત માંગતા ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે વધુ સુનાવણી તા.૧૧મી જુલાઈ સુધી મોકુફ રાખવા નિર્દેશ આપ્યો છે.
વસંત ગજેરાએ હાઇકાર્ટમાં ધા નાંખી તા.૧૦ જુલાઇ સુધી આ કેસમાં ઉમરા પોલીસની આગળની કાર્યવાહી પર સ્ટે મેળવ્યો છે. છતાં આ કેસમાં ધરપકડ થાય તેવી દહેશતથી સુરતની સીજીએમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.
જેની આજે સુનાવણીમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડ વાલાએ અરજી કરી ટેકનીકલ પ્રશ્નો ઉપસ્થિત કરી જણાવ્યું હતું કે, હાઈકોર્ટે જ્યારે ઉમરા પોલીસને ફર્ધર કાર્યવાહી પર તા.૧૦મી જુલાઈ સુધી રોક લગાવી છે. ત્યારે આરોપીની આગોતરા જામીન અરજી પ્રિ-મેચ્યોર અને કાયદાકીય આધાર વગરની જણાતી હોઈ ટકવા પાત્ર નથી.
ટ્રાયલ કોર્ટ કોઇ નિર્ણય આપે તો હાઈકોર્ટના હુકમની ઉપરવટ ગણાવી શકાય તેમ છે. જેથી સરકારપક્ષની અરજીનો જવાબ આપવા આરોપીના બચાવપક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ તથા અનિષ ખયાલીએ મુદત માંગતા કોર્ટે વધુ સુનાવણી તા.૧૧મી જુલાઈ સુધી મુલત્વી રાખી છે.