ઓપનર્સ અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે મેચ ઇંગ્લેન્ડના હાથમાં જવાનું જોખમ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચ સીરીઝના પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમના મડધીમો તેમની ક્ષમતા પ્રમાણે રમવામાં ઉણા ઉતરતા નજરે પડ્યા હતા.ભારતીય ટીમે ફિક્સ ફર્મા મુજબ પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કર્યા હતા. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા સહિતના મોટા ગજાના ખેલાડીઓનો સમાવેશ કરાયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમીને કાંગારૂઓને ગોઠણીયે વાળી દેનાર નવોદિતોને બાઉન્ડ્રીની બહાર બેસાડવામાં આવ્યા હતા. ટીમ ઇન્ડિયાના ઓવર કોન્ફિડન્સે જ ભારતને હારની નજીક મૂકી દીધા છે. જ્યાં મડધીમો ઉણા ઉતર્યા છે ત્યારે હજુ પણ મેચ બચાવી લેવા માટે ભારત પાસે એક આશાનું કિરણ છે. જો ભારતના પૂછડીયા ખેલાડીઓ 350+ રન સુધી ટીમનો સ્કોર લઈ જવામાં સફળ રહ્યા તો ટીમ ઇન્ડિયા મેચ બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
પૂછડીયા બેસ્ટમેનો પર મેચનો દારોમદાર
જે રીતે અનુભવી અને પીઢ બેટ્સમેનો તેમની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા ત્યારે હવે જો પૂછડીયા બેટસમેનો ભારતીય ટીમને 350+ રન સુધીનો સ્કોર પહોંચાડવામાં સફળ રહ્યા તો તેના માટે ભારતીય ટીમે લંચ બ્રેક સુધી પિચ પર રહેવું પડશે. જેથી મેચના ચોથા દિવસે લંચ બ્રેક બાદ ઇંગ્લેન્ડનો દાવ આવે તો ફોલોઓન થવાની શકયતા રહે છે. અને તેમાં પણ ચોથા દિવસે ટીમ ઇંગ્લેન્ડ દાવ લેવાનું પણ પસંદ ન કરે તેવું પણ બની શકે છે. જેથી ભારત મેચ બચાવી શકે છે.
કોહલીનું ખરાબ પ્રદર્શન યથાવત
પેટરનિટી લિવથી પરત ફરેલો વિરાટ કોહલી ફ્લોપ રહ્યો હતો. ડોમ બેસની બોલિંગમાં શોર્ટ લેગ પર ઓલી પોપ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 47 બોલમાં 11 રન કર્યા હતા. વિરાટે છેલ્લે ટેસ્ટ ક્રિકેટમાં નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે સદી મારી હતી. તે પછી ઇન્ડિયન કેપ્ટન ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નથી.
રોહિત અને શુભમનના પ્રદર્શનથી પ્રેક્ષકો નિરાશ
રોહિત શર્મા 6 રને જોફરા આર્ચરની બોલિંગમાં કીપર બટલર દ્વારા કેચ આઉટ થયો હતો. ટીમને મોટા સ્કોરની અપેક્ષા હતી ત્યારે રોહિતે બધાને નિરાશ કર્યા. તે પછી શુભમન ગિલ શરૂઆતને મોટા સ્કોરમાં ક્ધવર્ટ કરી શક્યો નહોતો. તે આર્ચરની બોલિંગમાં મીડ-ઓન પર એન્ડરસન દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 28 બોલમાં 5 ફોરની મદદથી 29 રન કર્યા હતા. બંને ખેલાડીઓ જાણે ટેસ્ટ નહીં વન ડે રમવા ઉતર્યા હોય તેવી રીતે શોટ ફટકારી રહ્યા હતા. ટીમ ઇન્ડિયાના અનુભવી ખેલાડીઓ ઓવર કોન્ફિડન્સમાં આવીને હમણાં ચોંકા-છગ્ગા મારીને મેચ જીતી લેશે તેવી રીતે રમવામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા.