- 2 વર્ષ પહેલા દંપતી વચ્ચે ઝઘડામાં લાકડી વડે માર મારી કેરોસીન છાંટી જીવતી જલાવી હતી : દેરાણી અને સાસુને શંકાનો લાભ
- ગીર સોમનાથ જીલ્લાનાં ડિસ્ટ્રીકટ જજ પી.જી. ગોકાણીએ શક્રવતી ચુકાદો આપ્યો
ગીર સોમનાથ જીલ્લાનાં વેરાવળમાં બે વર્ષ પુર્વે દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતીએ પત્નીને લાકડી વડે માર મારી અને કેરોસીન છાંટી જીવતી જલાવી દેવાનાં ગુનાનો કેસ ચાલી જતા ન્યાયધીશ પી.જી ગોકાણીએ પતીને આજીવન કેદ અને સાસુ અને દેરાણીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે. વધુ વીગત મુજબ વેરાવળનાં ભીડ ભંજન હનુમાન મંદીરની ગલીમાં રહેતા સોભનાબેન જગદીશભાઇ બામણીયા નામની પરણીતાએ પ્રભાસપાટણ પોલીસ મથકમાં પતી જગદીશ પ્રેમજી બામણીયા અને સાસુ રાણીબેન પ્રેમજીભાઇ અને દેરાણી અલ્પાબેન રમેશભાઇ એ માર મારી અને કેરોસીન છાંટી જીવતી સળગાવી હતી. જે અંગેની ફરીયાદ નોંધાવી હતી. પરણીતા સોભનાબેનનુ સારવારમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
પોલીસની પ્રાથમીક તપાસમાં સોભનાબેન અને તેનાં પતી જગદીશભાઇ વચ્ચે પુત્રીની તૈયાર કરવા મુદે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા જગદીશભાઇએ પત્નીને લાકડી વડે માર મારી અને કેરોસીન છાટી દીવાસળી ચાંપી હતી. આ બનાવની પ્રભાસ પાટણ પોલીસ મથકનાં તપાસનીશ ડી.જે કડછા અને એમ. જી રાઠવા એ ત્રણેય ધરપકડ કરી તપાસ પુર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. બાદ ચાર્જશીટ અદાલતમાં રજુ કર્યુ હતુ.
કેસની સુનાવણી હાધ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજુઆત બાદ ગીર સોમનાથ જીલ્લાનાં સરકારી વકીલ કમલેશ પંડયા દ્વારા 36 સાહેદોની તપાસવામાં આવેલા. જેમાં મેજીસ્ટ્રેટ દ્વારા લેવામાં આવેલ ડીડી અને તપાસનીસ , તબીબ અને દસ્તાવેજી પુરાવાથી કેસની સાકળ મજબુત થતા ન્યાયધીશ પી. જી ગોકાણીએ જગદીશ પ્રેમજી બામણીયાને હત્યાની કલમ હેઠળ આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. જયારે દેરાણી અલ્પાબેન અને સાસુ રાણીબેનને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.