ગિર સોમનાથ જિલ્લાના તિર્થસ્થાન ભાલકા મંદિર પાસે સસ્તામાં સોનું આપવાનું કહી નકલી સોનું ધાબડી દેતી અમદાવાદની ગેંગની ચાર મહિલાને એલ.સી.બી.એ ઝડપી લઈ ખોટાસિકકા સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
વધુ વિગત મુજબ ગિર સોમનાથ જિલ્લામાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસ.પી. મનોહરસિંહ જાડેજાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. વી.કે.ઝાલા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
અમદાવાદ ખાતે રહેતી સુમનબેન મહાદેવ ખાવડીયા, ઉર્મિલાબેન કરણ ખાવડીયા, લવીંગાબેન ચંદુ ખાવડીયા અને સુરેન્દ્રનગરની રાધાબેન સુનિલ ચૌહાણ નામની મહિલાએ ભાલકા મંદિર પાસે ગુનાખોરી આચરવા સાથે શંકાસ્પદ હાલતમાં હોવાની હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ પટાટ, ભાવેશભાઈ અને દેવીબેન રામ સહિતના સ્ટાફ દોડી જઈ ચારેય મહિલાની અટકાયત કરી હતી.
ઝડપાયેલી ચારેય મહિલાના કબ્જામાંથી પીળા કલરના સોના જેવા લાગતા સિકકાઓ મળી આવતા તેની પૂછપરછ કરતા સસ્તા ભાવે સોનાની લાલચમાં વેચવાની ફીરાકમાં હોવાની કબુલાત આપી હતી.
ઘી વેચવાના બહાને અલગ અલગ વિસ્તારમાં ફરીને મહિલાઓને વિશ્ર્વાસમાં લઈ જમીન ખોદતી વેળાએ મળેલી માયામાં પોતાની પાસે સોના ચાંદીના સીકકા સસ્તા ભાવે વેચવાનું જણાવી સાચો સોનાનો સીકકો આપી બાદ સામાવાળા સિકકો ચેક કર્યાબાદ વિશ્ર્વાસ કેળવી અને નકલી સિકકા સસ્તા ભાવે આપી ઠગાઈ કરતા હતા.
ઝડપાયેલી સુમન ખાવડીયા સામે રાજસ્થાનમાં અને ઉર્મિલાબેન ખાવડીયાસામે અમદાવાદ શહેર પોલીસ મથકના ચોપડે ચડી ચૂકયા છે.