પૂ.પા.ગો.૧૦૮ વ્રજેશકુમાર મહારાજ અને અનિરુધ્ધરાય મહોદયની અધ્યક્ષતામાં દિપશીખાજી વ્યાખ્યાનનું ભાવપુર્ણ શૈલીમાં રસપાન કરાવશે: ૨૭મીએ ભવ્ય સામૈયા અને ૩૦મીએ મહાપ્રભુજીની વિશાળ શોભાયાત્રા: ધર્મપ્રેમીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વ્રજધામ ગ્રુપ દ્વારા કથા યોજાશે
સપ્તમ્પીઠ મદન મોહનજી પુષ્ટિમાર્ગીય હવેલી ટ્રસ્ટ દ્વારા અને વ્રજધામ ગ્રુપ, લક્ષ્મીવાડીના સંચાલન હેઠળ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૨માં પ્રાગટય ઉત્સવ ઉપક્રમે વલ્લભાખ્યાન કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. પાંચ દિવસીય યોજાનાર કથા આગામી તા.૨૭/૪ થી બપોરે ૩ કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રાઉન્ડ, મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલની બાજુમાં ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલ સામેનો બોલબાલા રોડ, જલજીત હોલની સામે રાજકોટ ખાતે પ્રારંભ થશે. પ.પૂ.ગો.૧૦૮ અનિરુધ્ધરાયજી મહોદયની અધ્યક્ષતામાં વલ્લભાખ્યાન કથાના બીજા સત્રનું સંગીતમય શૈલીમાં અનિરુધ્ધરાય મહોદયના વહુ દિપશીખાજી વલ્લભાખ્યાનનું ભાવપૂર્ણ અને સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.
પોથીના સામૈયા તા.૨૭/૪ને બપોરે ૩ કલાકે વાજતે-ગાજતે કથા સ્થળના મુખ્ય દ્વારથી રંગમંચ સ્થળ સુધી કરવામાં આવશે. આ ઉપરાંત મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવ દિને ભવ્ય શોભાયાત્રા તા.૩૦/૪ને સાંજે ૭:૩૦ કલાકે બાલકૃષ્ણલાલની હવેલી દરબારગઢથી સોનીબજાર પેલેસ રોડ થઈ વ્રજધામ કથા સ્થળ પર પહોંચશે.
કથાના મુખ્ય મનોરથી હિંમતલાલ વસાણી, અનિલકુમાર વસાણી, મુકતાબેન વસાણી, નયનાબેન વસાણી, જગદીશભાઈ રેલીયા, આશાબેન રેલીયા વગેરે છે. આ ઉપરાંત ચોકસી પરિવાર પણ સહયોગી બન્યો છે. વલ્લભાખ્યાન કથામાં મુખ્ય અતિથિ તરીકે ગોવિંદભાઈ પટેલ, ધનસુખભાઈ ભંડેરી, બીનાબેન આચાર્ય, નિતીનભાઈ ભારદ્વાજ, ઉદયભાઈ કાનગડ, કમલેશભાઈ મિરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કથાનો સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને લાભ લેવા ‘અબતક’ની મુલાકાતે આવેલા અગ્રણીઓએ અનુરોધ કર્યો છે. આ માટે વ્રજધામ ગ્રુપ કમીટીના સભ્યો ભરતભાઈ મદાણી, વિજયભાઈ દાસાણી, જીલુભાઈ પારેખ, મહેશભાઈ વાગડીયા, ગુણવંતભાઈ પોપટ, વજુભાઈ પોરીયા, હરેશભાઈ રાજપરા, મુકેશભાઈ જાની, રાજુભાઈ ધોળકીયા, ભાવેશભાઈ પાટડીયા સહિતના સેવકો કાર્યરત બન્યા છે.