૧૦ માસમાં શહેરમાં વેચાયા ૪૮,૬૧૭ વાહનો: માર્ચ સુધીમાં ૧૫ કરોડની વસુલાત થાય તેવી સંભાવના
ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને વાહનવેરાની વસુલાત માટે આપવામાં આવેલો ૧૩ કરોડનો લક્ષ્યાંક જાન્યુઆરી માસમાં જ પૂર્ણ થઈ ગયો છે. છેલ્લા ૧૦ માસ દરમિયાન રાજકોટ શહેરમાં ૪૮,૬૧૭ વાહનોનું વેચાણ થતા મહાપાલિકાને ૧૩ કરોડથી વધુની આવક થવા પામી છે. માર્ચ સુધીમાં વાહનવેરા પેટે ૧૫ કરોડથી પણ વધુ વસુલાત થાય તેવો અંદાજ રાખવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ચાલુ સાલના બજેટમાં વાહન વેરાનો ટાર્ગેટ રૂ.૧૩ કરોડ અંદાજવામાં આવ્યો હતો. દરમિયાન ગત ૧લી એપ્રિલથી ૧૯ જાન્યુઆરી સુધીમાં શહેરમાં ૪૮,૬૧૭ વાહનોનું વેચાણ થતા ૧૩ કરોડથી વધુની ટેકસ પેટે આવક થવા પામી છે. છેલ્લા ૧૦ માસ દરમિયાન શહેરમાં ડિઝલ સંચાલિત એક ટુ-વ્હીલર, પેટ્રોલ સંચાલિત ૩૯,૩૫૮ ટુ-વ્હીલર, સીએનજી સંચાલિત ૧૫૧૩ થ્રી વ્હીલર, ડિઝલ સંચાલિત ૨૩૫ થ્રી વ્હીલર, પેટ્રોલ સંચાલિત ૫૭ થ્રી વ્હીલર, સીએનજી સંચાલિત ૧૬૦ ફોર વ્હીલ, ડીઝલ સંચાલિત ૧૮૫૦ ફોર વ્હીલ, પેટ્રોલ સંચાલિત ૪૭૧૭ ફોર વ્હીલ, સીએનજી સંચાલિત ૫ ફોર વ્હીલ, ડિઝલ સંચાલિત ૫૩૬ કાર સિવાયના અન્ય ફોર વ્હીર્લ્સ, પેટ્રોલ સંચાલિત ૬ કાર સિવાયના અન્ય ફોર વ્હીલર, ડીઝલ સંચાલિત ૧૦૭ સિકસ વ્હીલર, પેટ્રોલ સંચાલિત ૧ સિકસ વ્હીલ, ડિઝલ સંચાલિત અન્ય ૭૨ વાહનોનું વેચાણ થયું છે.
રાજકોટ જાણે ઓટો હબ બની ગયું હોય તેમ છેલ્લા ૧૦ માસ દરમિયાન શહેરમાં ૪૮,૬૧૭ વાહનોનું વેચાણ થયું છે જેને કારણે વાહન વેરા વિભાગને આપવામાં આવેલો ૧૩ કરોડનો લક્ષ્યાંક નાણાકીય વર્ષ પૂર્ણ થવાના બે માસ અગાઉ જ હાંસલ થઈ ગયો છે. આગામી ૩૧મી માર્ચ સુધીમાં વાહન વેરા પેટે ૧૫ કરોડની વસુલાત થાય તેવી સંભાવના જણાઈ રહી છે.