ગત વર્ષે આજ સુધીમાં ૨૧૦૮૦ વાહનોનું વેંચાણ થતાં કોર્પોરેશનને વાહન વેપાર પેટે રૂ.૫.૭૮ કરોડની આવક થવા પામી હતી જેની સામે આ વર્ષે માત્ર ૭૦૭૦ વાહનોનું જ વેંચાણ, રૂ.૨.૮૦ કરોડની આવક
વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટે દેશમાં લાગુ કરવામાં આવેલા બે માસના લાંબા લોકડાઉનના કારણે ખુબજ માઠી અસર પહોંચી છે. તમામ સેકટરો હાલ મંદીના માર સામે ઝઝુમી રહ્યાં છે. કોરોનાના પાસે વાહનોના વેંચાણમાં ૬૬ ટકાથી પણ વધુનો ઘટાડો થયો હોવાનું નોંધાયું છે. જેના કારણે કોર્પોરેશનને વાહન વેરા પેટે થતી આવકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩ કરોડ જેવી નુકશાન થવા પામી છે.
આ અંગે કોર્પોરેશનના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત વર્ષે એટલે કે, વર્ષ ૨૦૧૯માં ૧લી એપ્રીલથી લઈ ૭ સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં શહેરમાં ૨૧૦૮૦ જેટલા વાહનોનું વેંચાણ થવા પામ્યું હતું. જેના કારણે મહાપાલિકાને વાહન વેરાના ટેકસ પેટે રૂા.૫.૭૮ કરોડની આવક થવા પામી હતી. આ વર્ષે કોરોના મહામારીના કારણે માર્ચ થી મે સુધી ૨ માસના સમયગાળામાં દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે મોટાભાગના શો-રૂમો બંધ હતા. લોકડાઉન ખુલ્યા બાદ હજુ લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યાં છે. જેના કારણે તેની સીધી અસર અર્થવ્યવસ્થા પણ થવા પામી છે. આ વર્ષે માત્ર ૭૦૭૦ વાહનોનું વેંચાણ થવા પામ્યું છે. માત્ર રાજકોટની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોના વેંચાણમાં ૬૬ ટકા જેટલો તોતીંગ ઘટાડો નોંધાયો છે. જેની સીધી અસર મહાપાલિકાની તિજોરી પર પડી છે. ગત વર્ષે આ જ સુધીમાં વાહન વેરા પેટે ૫.૭૮ કરોડની આવક થવા પામી હતી જેની સામે આ વર્ષે વાહન વેરા પેટે રૂા.૨.૮૦ કરોડની જ આવક થવા પામી છે. આ વર્ષે વાહન વેરાનો લક્ષ્યાંક પૂર્ણ કરવો પણ પડકારજનક બની જાય તેવું વર્તાઈ રહ્યું છે. વધુ ૪૯ લોકો કોરોનાના સકંજામાં સપડાયા શહેરમાં ગઈકાલે રેકોર્ડબ્રેક ૧૦૧ કેસ નોંધાયા બાદ કોરોનાનો હાહાકાર હજુ યથાવત
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન સતત વધી રહ્યું છે. અત્યાર સુધીમાં શહેરમાં ગઈકાલે કોરોનાના સૌથી વધુ ૧૦૧ પોઝિટિવ કેસ નોંધાયા બાદ છેલ્લા ૧૯ કલાકમાં શહેરમાં વધુ ૪૯ લોકો કોરોનાના કાળમુખા સકંજામાં સપડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોના રાક્ષસને નાથવા તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા વિવિધ પગલાઓ જાણે બેઅસર પુરવાર થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ગઈકાલ સાંજે ૫ વાગ્યાથી આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૧૯ કલાકમાં શહેરમાં કોરોનાના ૪૯ કેસ નોંધાયા છે. દર કલાકે સરેરાશ ૨ થી વધુ લોકો કોરોનાના સકંજામાં સપડાઈ રહ્યાં છે. આજ સુધીમાં પોઝિટિવ કેસનો આંક ૩૮૧૫એ પહોંચ્યો છે. કુલ ૨૦૧૬ લોકો કોરોનાને મહાત આપવામાં સફળ રહ્યાં છે. શહેરનો રિકવરી રેટ ૫૩.૫૩ ટકા છે જ્યારે પોઝિટિવિટી રેટ ૪.૧૪ ટકા છે. આજ સુધીમાં કુલ ૯૦,૬૦૭ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજ સુધીમાં કોરોનાથી ૭૬ લોકોના મોત નિપજયા છે.