પે એન્ડ પાર્કમાં ટુ વ્હીલર પાર્ક કરનારે હવે ઓછામાં ઓછા બેના બદલે પાંચ રૂપિયા ચૂકવવા પડશે: કારધારકે પણ પાંચના બદલે મિનિમમ 20 રૂપિયાનો ડામ

શહેરમાં સતત વધી રહેલી ટ્રાફીકની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા હાલ અલગ-અલગ વિસ્તારોમાં 43 પે એન્ડ પાર્ક સાઇટ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ, જડ્ડુસ ચોક બ્રિજ, નાનામવા સર્કલ બ્રિજ અને રામાપીર ચોકડી બ્રિજ નીચે નવી 13 પે એન્ડ પાર્ક સાઇટ શરૂ કરવામાં આવશે. શહેરીજનો માટે હવે પે એન્ડ પાર્કમાં વાહન પાર્ક કરવું મોંઘુ બની જશે. કારણ કે કોર્પોરેશન દ્વારા વાહન પાર્કિંગના મિનિમમ ચાર્જમાં અઢી ગણો તોતીંગ વધારો કરવામાં આવી રહ્યો છે.

હાલ પે એન્ડ પાર્કમાં હેવી વ્હીકલ્સ જેવા કે બસ, ટ્રક, જેસીબી, મેટાડોર, ટ્રેક્ટર અને અન્ય મોટા વાહનોના પ્રતિ કલાકના રૂ.10, બે કલાકના રૂ.20, 12 કલાકના રૂ.50 અને 24 કલાકના રૂ.100 વસૂલ કરવામાં આવે છે. જેમાં હવે વધારો કરવામાં આવશે. પ્રથમ ત્રણ કલાકનો વાહન પાર્કિંગનો ચાર્જ રૂ.40, ત્રણ થી છ કલાકના રૂ.50, છ થી નવ કલાકના રૂ.70, નવ થી 12 કલાકના રૂ.100 અને 12 થી 24 કલાકના રૂ.120 વસૂલ કરવામાં આવશે. અગાઉ હેવી વ્હીકલને માસિક વાહન પાર્કિંગનો પાસ રૂ.750માં આપવામાં આવતો હતો. જેના હવે રૂ.1200 ચૂકવવાના થશે. મોટર કાર સહિત અન્ય ફોર વ્હીલ વાહનના પ્રતિ કલાકનો ચાર્જ હાલ રૂ.5, બે કલાકના રૂ.10, 12 કલાકના રૂ.20 અને 24 કલાકના રૂ.40 વસૂલ કરવામાં આવે છે.

જે વધારા બાદ પ્રથમ ત્રણ કલાકના રૂપિયા, ત્રણ થી છ કલાકના રૂ.30 અને છ થી નવ કલાકના રૂ.50, નવ થી 12 કલાકના રૂ.60 અને 12 થી 24 કલાકના રૂ.80 ચૂકવવાના રહેશે. જ્યારે લાઇટ, કોમર્શિયલ વ્હીકલ માટે પ્રથમ ત્રણ કલાકના રૂ.20, 3 થી 6 કલાકના રૂ.30 અને 6 થી 9 કલાકના રૂ.60 ચૂકવવા પડશે. જ્યારે 9 થી 12 કલાકના રૂ.80 અને 12 થી 24 કલાકના રૂ.120 વસૂલ કરવામાં આવશે. ત્રિ-ચક્રીય વાહનો માટે અલગ-અલગ પાંચ કેટેગરીમાં રૂ.10 થી રૂ.30 પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવશે.

જ્યારે ટુ વ્હીલર માટે હાલ પ્રતિ કલાક માત્ર રૂ.બે વસૂલ કરવામાં આવે છે. જ્યારે બે કલાકના રૂ.5, 12 કલાકના રૂ.10 અને 24 કલાકના રૂ.20 વસૂલ કરવામાં આવે છે. જેમાં હવે અલગ-અલગ ત્રણ-ત્રણ કલાકના સ્લેબ રાખવામાં આવ્યા છે. એક મિનિટ ટુ વ્હીલર પાર્ક કરો કે ત્રણ કલાક મિનિમમ રૂ.5 ચૂકવવા પડશે. જ્યારે 3 થી 6 કલાકના રૂ.10, 6 થી 9 કલાકના રૂ.15, 9 થી 12 કલાકના રૂ.20 અને 12 થી 24 કલાકના રૂ.25 ચૂકવવા પડશે.

હાલ ટુ વ્હીલર વાહન પાર્કિંગનો માસિક પાસ રૂ.150માં આપવામાં આવી રહ્યો છે. જે હવે રૂ.350માં આપવામાં આવશે. જ્યારે લાઇટ મોટર વ્હીકલના પાસના રૂ.300 જે વધારીને રૂ.600 કરવામાં આવશે અને હેવી વ્હીકલના પાર્કિંગનો માસિક પાસ જે હાલ રૂ.750માં આપવામાં આવે છે તે રૂ.1200 હવેથી અપાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.