ડ્રાઇવીંગ લાયસન્સ ન હોવા, દારૂનો નશો કરેલી હાલતમાં રિક્ષા ચલાવવી, વધુ પેસેન્જર બેસાડવા અંગે પોલીસે બે દિવસ કરેલી ડ્રાઇવમાં ૧૪૧ રિક્ષા ડીટેઇન કરાઇ
શહેરમાં બેલગામ બનેલા રિક્ષા ચાલકો પર પોલીસે ધોસ બોલાવી ઠેર ઠેર ચેકીંગ ડ્રાઇવ કરી ડ્રાઇવીંગ લાયસન્સ વિના રિક્ષા ચલાવતા, વધુ પેસેન્જર બેસાડવા, દારૂનો નશો કરેલી હાલતમાં રિક્ષા ચલાવવી અને રિક્ષામાં હથિયાર સાથે રાખવા અંગેના ગુના નોંધવામાં આવ્યા હતા અને ૧૪૧ જેટલી રિક્ષા ડીટેઇન કરી હતી તેમજ ૨૪૦ રિક્ષાઓને ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે. શહેરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોએ રૂ.૬ લાખ દંડ ભર્યો છે.
ડીસીપીઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી.ગકે.દિયોરા, જે.એમ. ગેડમ, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. એચ.એમ. ગઢવી, એસ.ઓ.જી.પી.આઇ. આર.વાય.રાવલ અને તમામ પોલીસ મથકના પી.આઇ. દ્વારા ત્રિકોણ બાગ, ગાંધીગ્રામ, યુનિર્વસિટી રોડ, ગોંડલ રોડ ચોકડી, માધાપર ચોકડી, મવડી ચોકડી, બેડી ચોકડી, કોઠારિયા ચોકડી, દુધ સાગર રોડ, સોરઠીયા વાડી સર્કલ, ભગવતીપરા મેઇન રોડ, ભોમેશ્ર્વર અને બજરંગવાડી સહિતના વિસ્તારમાં રિક્ષા ચેકીંગ કર્યુ હતું.
રિક્ષા ચાલકો પાસે ડ્રાઇવીંગ લાયસન્સ ન હતા, કેટલાક રિક્ષા ચાલકો વધુ પેસેન્જર બેસાડયા હતા, કેટલાક રિક્ષા ચાલકો દારૂનો નશો કરેલા મળી આવ્યા હતા. પોલીસે બે દિવસમાં ૧૪૧ રિક્ષાને ડીટેઇન કરી હતી. છ રિક્ષા ચાલક પાસેથી છરી અને પાઇપ જેવા હથિયાર મળી આવ્યા હતા. શહેરભરના તમામ પોલીસ મથકના સ્ટાફ અને ટ્રાફિક બ્રાન્ચના સ્ટાફે ઠેર ઠેર વાહન ચેકીંગ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા ૯૮૬ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. રૂ.૧,૭૫,૮૦૦ હાજર દંડ વસુલ કર્યો હતો. તેમજ ઇ-મેમોના આધારે કરાયેલા કેસમાં રૂ.૬,૩૭,૮૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો છે.