કરૂણા ફાઉન્ડેશનના પ્રતીક સંઘાણી-રમેશભાઈ ઠકકરે કર્યો બાપુનો સત્સંગ
પ્રખર ગાયત્રી ઉપાસક, પ્રાત: સ્મરણીય, પૂજ્ય શ્રી લાલ બાપુ(ગધેથડ, ઉપલેટા) સાથે રાજકોટની શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ(એનિમલ હેલ્પલાઇન)નાં પ્રતિક સંઘાણી અને રમેશભાઈ ઠક્કરની મુલાકાત થઈ. પૂ. શ્રી લાલ બાપુ દરરોજ 21 કલાક ગાયત્રી માતાની ઉપાસના અને અનુષ્ઠાન કરવામાં પસાર કરે છે. લાલબાપુનો જન્મ ઉપલેટા તાલુકાના નાના એવા ગામ ગધેથડમાં વાળા રાજપુત પરીવારમાં થયો હતો, પૂ. બાપુ બાલ્યાવસ્થાથી પુર્ણ ધર્મમય અને ખાસ કરીને ગાયત્રી મંત્ર અને ગાયત્રી માતાના ઉપાસક રહેલાં, 22 વર્ષની યુવા વયે બાપુએ નાગવદર ગામના પાદરમાં એક નાના એવા મકાનમાં ગાયત્રી આશ્રમ શરૂ કર્યો હતો. આજે વટવૃક્ષ બની ગયેલા વિશાળ આશ્રમમાં ભૌતિક સુખ સગવડો નથી ત્યાં માત્ર ને માત્ર પ્રભુમય વાતાવરણ છે.
ઉપલેટાના ગધેથડ ગામમાં પૂજ્ય લાલ બાપુ લોકોને કુરિવાજોમાંથી મુક્ત કરાવવાનું ભગીરથ કાર્ય વર્ષોથી કરી રહ્યા છે, બાપુ વિશ્વ વિક્રમી ગાયત્રી યજ્ઞનાં આયોજક છે.તેમણે અનેક ગામોમાં સદીઓથી ચાલતા બલી પ્રથાનાં કુરિવાજોને કાયમી માટે બંધ કરાવ્યા છે. પોતાના શિષ્યો અને અનુયાયીઓ પાસે ગુરુ પૂર્ણિમાનાં પવિત્ર દિવસે ગુરુદક્ષિણામાં પૂરી જિંદગી શાકાહારી બનવાનું વચન માંગે છે. ઐતિહાસિક વેણુ ડેમ પર દાયકાઓથી દેવાતા માછીમારીનાં ઇજારા કાયમી માટે બંધ કરાવવા માટે પૂ. લાલ બાપુ નીમીત બન્યા હતા. પૂ. લાલ બાપુનાં સતત પ્રયાસો વધુ ને વધુ લોકો શાકાહાર તરફ વળે તેવા હોય છે. તેમણે હજારો લોકોને ઈંડા, મચ્છી, માંસાહાર બંધ કરાવીને શાકાહાર તરફ વાળ્યા છે.હાલનાં સમયમાં લમ્પી રોગથી ગૌવંશને શાતા મળે તેવા હેતુથી ગાયત્રી માતાનાં અનુષ્ઠાન સતત ચાલુ જ છે.
શાકાહાર અંગે લાલબાપુ જણાવે છે કે ભગવાને મનુષ્ય માટે અનેક પ્રકારના ભોજન અનાજ, કઠોળ, શાકભાજી બનાવ્યા છે. આ બધું હોવા છતાં માણસ માંસાહાર તરફ આકર્ષાય છે જે અત્યંત ખરાબ છે. જે મનુષ્યનાં સ્વાસ્થ્યને તો ખરાબ કરે જ છે તેમજ સમગ્ર સૃષ્ટિને પણ હાનિકરતા છે. માંસ ખાવું એ રાક્ષસ વૃતિ છે. તેનાથી રાક્ષસી(અશુદ્ધ) વિચારો આવે છે. જે માંસ ભક્ષણ કરે છે એ રાક્ષસ જ છે એને માણસ ન કહેવાય. ગાય, બળદ, ભેંસ, ગધેડું, ઘેટું, બકરીનાં નીરણમાં જો એક માંસનો ટુકડો નાખી દઈએ તો તેઓ તે નિરણ પણ લેતા નથી.
જેને આપણે ઢોર કહીએ છીએ એ પણ આવો માંસાહારી ખોરાક ઓળખીને ખાતા નથી. જ્યારે માણસ જેવા માણસ જે ઈશ્વરને પામી શકે તેવી પવિત્ર યોનિમાં જન્મ્યા છે તેઓ માંસ, ઈંડા ખાઈને કેમ જીવી શકે ! માંસ ન ખાવું જોઈએ. માંસાહાર અને મદિરા પાન કરવાથી શારીરિક, આર્થિક, સમાજિક, કૌટુંબિક, વ્યવહારિક એવા તમામ પ્રકારનાં નુકસાન થાય છે.જો પૃથ્વી ઉપરના બધા જ મનુષ્યો માત્ર શાકાહાર આરોગે તો આ ગ્રહ ઉપર શાકાહારની એટલે કે ફળફળાદિ, શાકભાજી તેમજ અનાજની ગંભીર અછત ઊભી થાય! શું ખરેખર આવું છે એ મોટો પ્રશ્ન છે અને એ પ્રશ્નનો ટૂંકો અને ટચ જવાબ એ છે કે જો માંસાહાર નાં ઉપયોગ માટે વપરાતો શાકાહાર બંધ થાય તો આપોઆપ શાકાહારની અછતનાં પ્રશ્નનું નિર્મૂલન થઈ જાય!!ઇઝરાયલ અને કચ્છ જેવા રણ પ્રદેશોમાં પણ ખેતીની પદ્ધતિઓ પ્રચલિત છે.
ત્યારે શું ખોરાક માટે જીવ હત્યા જ એકમાત્ર વિકલ્પ છે! સૌથી શક્તિશાળી અને બુદ્ધિશાળી પ્રાણીઓ શાકાહારી હોય છે; અવલોકન કરીએ તો માલૂમ પડશે કે સૌથી શક્તિશાળી પ્રાણીઓ જેવા કે હાથી, ગેંડા, હિપોપોટેમસ, ગોરીલા, ભેંસ, ગાય તેમજ સૌથી ઊંચું પ્રાણી જીરાફ પણ શાકાહારી છે; માટે જ પ્રચંડ શક્તિ અને વિચક્ષણ બુદ્ધિની પ્રાપ્તિ માટે માંસાહાર જરૂરી છે એ વાતનો તો બિલકુલ છેદ જ ઉડી જાય છે.એનિમલ હેલ્પલાઇનના પ્રતિક સંઘાણી અને રમેશભાઈ ઠક્કરે પૂ. લાલ બાપુને ગૌમાતાનાં પંચગવ્ય માંથી બનેલી વિવિધ વસ્તુઓ પણ ભેટ આપી હતી. બાપુએ ગૌમાતાનાં પંચગવ્ય માંથી સુંદર વસ્તુઓ બનાવીને રોજગારીની તકો વધારે શકાય છે.
આ રીતે સંસ્કૃતિની જાળવણી થઈ શકે છે અને ગૌશાળાઓ-પાંજરાપોળો-પશુ પાલકો સ્વાવલંબી બની શકે છે તેવી વાત પણ કરી હતી.પૂ. લાલ બાપુની ચરણ વંદના એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી અને રમેશભાઈ ઠક્કર દ્વારા ગૌમાતાનાં ગોબર માંથી નિર્મિત ઘડિયાળ અર્પણ કરીને કરવામાં આવી હતી. બાપુએ સૌ ને શાકાહારને જ અનુસરવાની અપીલ કરી છે. શાકાહાર બાબતે પૂ. લાલ બાપુનું અત્યંત પ્રેરણાદાયી માર્ગદર્શન અને વક્તવ્ય સાંભળવા મળ્યું અને શુભેચ્છા મુલાકાત થઈ તે માટે એનિમલ હેલ્પલાઇનના પ્રતિક સંઘાણી અને રમેશભાઈ ઠક્કર દ્વારા પૂ. લાલબાપુની ચરણ વંદના સાથે તેમનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.