પહેલા એક પ્લેટફોર્મ પર શાકભાજી વેચાણ થતું હવે પાંચ પ્લેટફોર્મ ફાળવાયા : સોશિયલ ડિસ્ટન્ટસ જાળવવા યાર્ડ સત્તાધીશોની અપીલ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વિભાગમાં પ્લેટફોર્મ વધારી દેવાયા છે. હાલ કોરોના મહામારીને લઈ સરકારની સુચનાઓનું પાલન થાય તે માટે યાર્ડ સત્તાધીશો જુદા જુદા પગલાંઓ લઈ રહ્યા છે. પહેલા શાકભાજી વિભાગમાં એક જ પ્લેટફોર્મ હતું જેથી સોશિયલ ડીસ્ટન્ટ જાળવવામાં મુશ્કેલીઓ જણાતી હતી જેથી હવે પાંચ પ્લેટફોર્મ પર શાકભાજીનું વહેંચાણ થશે. શાકભાજીના કમિશન એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને સોશિયલ ડીસ્ટન્ટ રાખવા ખાસ સૂચનાઓ અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ પુષ્કળ માત્રામાં શાકભાજી ઉપલબ્ધ છે. જેથી જથ્થાનો સંગ્રહ ન કરવા સત્તાધીશોએ અપીલ કરી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને લઈ યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટો વગેરેના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી જરૂરી છે જેથી યાર્ડના તમામ ડિરેક્ટરોએ શાકભાજી વિભાગમાં પ્લેટફોર્મ વધારવા નિર્ણય લીધો છે. લોકો સોશિયલ ડીસ્ટન્ટ જાળવે તે માટે તમામને વેપારી, કમિશન એજન્ટોને સૂચના અપાઈ છે. પાંચ-પાંચ ફૂટના અંતરે થડા રાખવામાં આવશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખેડૂતો મોટા પ્રમાણમાં શાકભાજી લઈ રાજકોટ યાર્ડમાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના બીજા યાર્ડ બંધ હોવાથી અહીં શાકભાજીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. ખેડૂતોને ઉપજના પુરા ભાવ મળી રહ્યા છે તો આવા સમયમાં પણ લોકોને સસ્તા ભાવે શાકભાજી મળી રહે છે. ત્યારે શાકભાજી ખરીદનાર, વેપારીઓ, ખેડૂતોએ સોશિયલ ડીસ્ટન્ટ જાળવવા અને સરકારની સુચનાનું પાલન કરવા અપીલ કરું છું.