શાકભાજી ‘સંક્રમિત’ થયા!

ફલાવર, લીંબુ, આદુ, કેપ્સીકમ મળવામાં મુશ્કેલી સર્જશે

અમદાવાદની હોલસેલ માર્કેટનો રેલો સૌરાષ્ટ્ર સુધી પહોચશે

રાજયમાં મોટાભાગના શાકભાજીઓના મબલક પાક થાય છે. ઉપરાંત ફલાવર, ટમેટા, લીંબુ, આદુ, કેપ્સીકમ સહિતના શાકભાજીઓ તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાંથી આવે છે. તાજેતરમાં રાજયનાં મુખ્ય હોલસેલ શાકભાજી માર્કેટ એવા અમદાવાદના જમાલપૂર માર્કેટમાં થતી ભારે ભીડના કારણે કોરોના ફેલાવવાની શકયતાથી બંધ કરવામાં આવી હતી હાલમા આ શાકભાજીના હોલસેલ વેપારીઓ જેતલપૂર માર્કેટ યાર્ડથી વેપાર કરે છે. પરંતુ તાજતેરમાં આ હોલસેલર વેપારીઓને યાર્ડમાં જગ્યા ખાલી કરવાનું જણાવતા વેપારીઓએ જગ્યાના અભાવે અન્ય રાજયોમાંથી આવતા શાકભાજીના ઓર્ડરો રદ કરી દીધા છે. જેના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી સમયમાં બહારથી આવતા શાકભાજીઓની ‘મોકાણ’ સર્જાશે તેમ મનાઈ રહ્યું છે.

રાજયમાં શાકભાજીની હોલસેલ વેપારની મુખ્ય માર્કેટ એવી જમાલપૂર એપીએમસી બજારમાં થતી ભારે ભીડથી થોડા સમય પહેલા કોરોના ફેલાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવી હતી. આ શાકભાજીનાં હોલસેલર વેપારીઓને તેમના વિરોધ છતાં જેતલપૂર માર્કેટ યાર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલથી આ વેપારીઓને જેતલપૂર માર્કેટ યાર્ડમાંથી પણ બહાર ખસેડીને તેમને અપાયેલી જગ્યા ખાલી કરાવવામાં આવી હતી જેના કારણે શાકભાજીના હોલસેલર વેપારીઓએ કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાંથી આવતા ફલાવર, ટમેટા, કેપ્સીકમ, લીંબુ વગેરે શાકભાજીના ટ્રકોને રસ્તા પર ઉતારવા પડયા હતા જેના કારણે વેપારીઓને ભારે મુશ્કેલી થતા અને તેમની પાસે આ શાકભાજીને સંગ્રહવાનો બીજો વિકલ્પ ન હોય આ વેપારીઓ પોતાના બહારના રાજયોનાં ઓર્ડરોને કેન્સલ કરવા લાગ્યા છે.

અમદાવાદના શાકભાજીના હોલસેલર વેપારીઓ બહારનાં રાજયોમાંથી આવતા શાકભાજીના ઓર્ડરો કેન્સલ કરવા લાગતા આગામી દિવસોમાં આ શાકભાજીની તંગી સર્જાવવાની સંભાવના છે. બહારના રાજયોમાંથી આવતા આ શાકભાજીઓ સૌરાષ્ટ્ર સહિત રાજયભરની શાકભાજી માર્કેટોમાં જતા હોય છે.જેથી આગામી દિવસોમાં રાજયભરમાં બહારથી આવતા શાકભાજીની મોકાણ સર્જાય તેવી સંભાવના ઉભી થવા પામી છે. જેથી અસર ફલાવર ટમેટા, કેપ્સીકમ, આદુ વગેરેના ભાવોમાં ઉછાળો આવ્યો છે. અને ભાવોમાં બેથી ત્રણ ગણો વધારો થવા પામ્યો છે.

આ અંગે અમદાવાદ શાકભાજી જનરલ કમિશન એજન્ટ કોઓપરેટીવ સોસાયટીના પ્રમુખ ભરત પ પરમારે જણાવ્યું હતુ કે સરકારે જમાલપૂર શાક માર્કેટ ૧૫ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણયં કર્યો છે. ઉપરાંત, જેતલપૂર યાર્ડમાં જે વૈકલ્પીક જગ્યા આપી હતી તે પણ ખાલી કરવાનું જણાવ્યું હોયહાલમાં અમે અમારો ધંધો કરી શકીએ તેમ ના હોય મોટાભાગના હોલસેલર વેપારી બહારના રાજયોમાંથી આવતા શાકભાજીના ઓર્ડરો રદ કરવા લાગ્યા છે. જેના કારણે આગામી સમયમાં આ શાકભાજીની તંગી સર્જાશે જેથી તેના ભાવ વધશે.

હોલસેલ વેપારીઓને માલ ઉતારવા ચોક્કસ જગ્યા ફાળવવી જરૂ રી

અમદાવાદના જમાલપુર માર્કેટ ખાતે મોટાભાગનો શાકભાજીનો વેપાર થતો હોય છે. તેમજ આંતરરાજ્યમાંથી શાકભાજીની આવકો પણ અહીં મોટા જથ્થામાં થાય છે. કોરોનાના કેસ સામે આવતા આ વિસ્તારને તા.૧૫ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે અહીંના હોલસેલ વેપારીઓ માલ ઉતારવાથી માંડી ધંધો કરવા સુધીની બાબતોમાં ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. હાલ આ વેપારીઓને જુદી જુદી જગ્યાએ સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. પરંતુ મોટા જથ્થામાં આવતા માલને ઉતારવા કોઈ ચોક્કસ જગ્યાની ફાળવણી નહીં થતાં માલ ઉતારવો પડકારરૂ પ બન્યું છે. ત્યારે વેપારીઓની માંગ પણ ઉઠી છે કે, જમાલપુર ખાતે જ ફરીવાર માલ ઉતારવાની છુટ આપવામાં આવે જેથી તેઓ કોઈપણ જાતની મુશ્કેલી વિના વેપાર કરી શકે. જો કે, કોઈ જ હકારાત્મક જવાબ નહીં મળતા વેપારીઓએ ધંધો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે આગામી દિવસોમાં શાકભાજીની તંગી સમગ્ર રાજ્યમાં સર્જાઈ તેવી ભીતિ સર્જાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.