હાલ કોરોનાની મહામારીથી જાણે સમગ્ર દેશ થંભી ગયો છે લોકો ઘરમાં બેસી રહી માત્રને માત્ર કોરોનાથી કઈ રીતે બચી શકાશે તેમજ કોરોનાનું આવતું લેટેસ્ટ અપડેટ મેળવી રહ્યા છે. હાલ સમગ્ર ભાર્ત લોકડાઉન થયું છે ત્યારે માત્ર જીવન જરૂરીયાત વસ્તુઓ જેવી કે મેડિકલ સુવિધા, શાકભાજી, દુધ, કરિયાણાની જ દુકાનો ખૂલ્લી રાખવા પરમીશન અપાઈ છે. કોરોના વાયરસને લઈ હાલ ગંભીર પરિસ્થિતિ પેદા થઈ છે. જેની વચ્ચે પણ રાજકોટ માર્કેટીંગ યાર્ડના શાકભાજી વિભાગમાં શાકભાજીની આવક યથાવત રહી છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રાજકોટની આસપાસથી આશરે ૧૫ કિલોમીટરના એરિયામાંથી શાકભાજી આવી રહ્યું છે. લોકડાઉન વચ્ચે ટ્રાન્સપોર્ટેશન બંધ હોય જેથી માત્ર સ્થાનિક વિસ્તારોમાંથી શાકભાજી આવી રહ્યું છે. હાલ ફલાવર, કોબીજ, મરચા, સ્થાનિક વિસ્તારમાંથી તો બટેટા રાજકોટ બહારથી તેમજ ટમેટા ડાંગ સહિતના વિસ્તારોમાંથી આવી રહ્યા છે.
આ અંગે ખેડુતોના જણાવ્યા મુજબ જયારે તેઓ શાકભાજીની ગાડી લઈને આવે છે ત્યારે પોલીસવાળા કોઈ રોકતા નથી તેમજ યાર્ડના અધિકારીઓનું પણ કહેવું છે કે લોકડાઉન વચ્ચે પણ ભાવ નોર્મલ છે તેમજ ખેડુતો જે રીતે પહેલા શાકભાજી વેચવા આવતા તે રીતે જ આવી રહ્યા છે. એટલે કે શાકભાજીની આવકમાં કોરોના કે લોકડાઉનની કોઈ અસર જોવા મળતી નથી. યાર્ડના અધિકારી પી.કે. ચાવડાએ આ અંગે જણાવ્યું હતુ કે ગામડેથી શાકભાજી લઈને આવતા ખેડુતો માટે જો પાસ ઈશ્યું કરવામાં આવે તો અમુક જગ્યાએ જે પ્રોબ્લેમ્સ થાય છે તે ન થાય.