આયાત ૧૦ ટકા ઘટીને ૧૧.૧૨ લાખ ટને પહોંચતા દેશની તિજોરી પરનું ભારણ ઘટ્યું
વેજીટેબલ તેલની આયાતમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા લાંબા સમયથી કવાયત કરવામાં આવી રહી હતી. આવા સંજોગોમાં તાજેતરમાં રિફાઈન કરેલા પામતેલની આવક ઓછી થઈ હતી. ત્યારબાદ વેજીટેબલ તેલની આયાત પણ ૧૦ ટકા જેટલી ઘટી જતાં દેશને રૂા.૧૫ હજાર કરોડ જેટલી તોતીંગ બચત થઈ હોવાનું જાણવા મળે છે.
ગત વર્ષે ફેબ્રુઆરી સુધીમાં વેજીટેબલ ઓઈલની ઈમ્પોર્ટ ૧૨,૪૨,૫૩૩ ટન જેટલી હતી. જ્યારે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં વેજીટેબલ ઓઈલની ઈમ્પોર્ટ ઘટી ૧૧,૧૨,૪૭૮ ટને પહોંચી જવા પામી છે. આ ઉપરાંત વેજીટેબલ ઓઈલની ઈમ્પોર્ટ ગત મહિને ૧૦,૮૯,૬૧૧ ટને પહોંચી હતી. એકંદરે ઈમ્પોર્ટમાં આવેલા ઘટાડાને પગલે દેશમાં ટન દીઠ રૂા.૫ હજારની બચત થઈ છે.
નોંધનીય છે કે, ક્રુડ સનફલાવર અને ક્રુડ સોયાબીન ઓઈલની ઈમ્પોર્ટમાં એકાએક અસંતુલન જોવા મળ્યું હતું. વેજીટેબલ ઓઈલની ઓછી આયાતના કારણે અત્યાર સુધીમાં ભારતની તિજોરી પરનું ભારણ ઓછુ થઈ ગયું છે. ગત મહિને એડીબલ ઓઈલની ઈમ્પોર્ટ ૧૦,૮૯,૬૧૧ ટન હતી. જ્યારે નોન એબીડલ ઓઈલની ઈમ્પોર્ટ ૨૨,૮૧૭ ટને પહોંચી હતી.