રાજકોટ સહિત મોરબી, દ્વારકા, ઓખા, વેરાવળ, વાંકાનેર વગેરે શહેરોમાં સમુહ પ્રસાદ, નૈવેધ, ધૂન-ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અનેકવિધ આયોજનો
વીરદાદા જશરાજજીના શૌર્યદિનની આજે ગામોગામ ઉજવણી થનાર છે. લોહાણા સમાજના કુલદેવતા અને ગૌ માતાની રક્ષા કાજે લગ્ન મંડપ છોડી શહિદી વહોરી લેનાર વીરદાદા જશરાજજીના શૌર્યદિનની રઘુવંશીઓ વિવિધ કાર્યક્રમો અને નાતજમણ સાથે ઉજવણી કરશે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરો જેમાં રાજકોટ સહિત મોરબી, વાંકાનેર, દ્વારકા, ઓખા, વેરાવળ, પોરબંદરમાં લોહાણા સમાજનું ભવ્ય નાતજમણ તેમજ નેવૈધ, ધૂન-ભજન, આરતી અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. રાજકોટમાં વીરદાદા જશરાજજીના શૌર્યદિનની વિશેષ ઉજવણી થનાર છે. તેમજ રેસકોર્ષનાં વિશાળ ગ્રાઉન્ડમાં સાંજે નાતજમણ યોજાનાર છે.
આ ઉપરાંત રઘુવંશી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, સમાજના યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક થેલેસેમીયા કેમ્પ યોજાશે તો રઘુવંશી મહિલા મંડળ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. રેસકોર્ષમાં યોજનાર જ્ઞાતજમણમાં આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તાર સહિત આશરે અઢી લાખ લોકો જ્ઞાતિજમણનો લાભ લેશે. મહોત્સવને સફળ બનાવવા દિવસો અગાઉ જ્ઞાતિ અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. અને રઘુવંશી સમાજમાં અનેરો ઉત્સાહ છવાયો છે.વેરાવળમાં લોહાણા બોર્ડીંગના વિશાળ પટાંગણમાં વિરદાદા જશરાજજી નગરનું નિર્માણ થશે. રઘુવંશી પરીવાર આ નાતજમણમાં એક સાથે એક જ સ્થળે એક જ સમયે તમામ વર્ગ સ્તરના અબાલ વૃદ્ધ ગરીબ તવંગર રઘુવંશીઓ એક સાથે હરીહર કરશે. આજે સાંજે ૭ વાગ્યે દાદાને નિવેધ જુવારી ગુલાબી સાફો ચડાવી પુજન કરવામાં આવશે ત્યારબાદ સાંજે ૭ વાગ્યે સમુહ ભોજન પ્રસાદીનો પ્રારંભ થશે. વડીલોના માર્ગદર્શન હેઠળ આ મેગા આયોજનને શ્રતિશુન્ય બનાવી રહ્યા છે અને આ કૃપાથી રઘુવંશી સમાજના આંગણે એકતાનો સુરજ ઉગશે.