ભાવનગરના આંગણે યોજાયો ’વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત કાર્યક્રમ વીરાંજલિ
અબતક,રાજકોટ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો વીરાંજલિ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના પેડક મેદાનમાં યોજાયો હતો.મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રદિપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલિ સમિતિ દ્વારા ક્રાંતિવીરોની રક્ત નીતરતી ગાથા એક ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો દ્વારા ભાવનગર શહેરમાં પ્રથમવાર યોજાઈ હતી.અદભૂત ડાન્સ એન્ડ ડ્રામા સાથેના દેશભક્તિના ગુજરાતના આ સર્વ પ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામામાં વીર શહીદોના ગુણગાન અને રાષ્ટ્રભક્તિના રંગને ભાવનગરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી હતી. આ અવસરે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, આ પાળિયાને પોંખવાનો અવસર છે તેને પુન: પ્રસ્થાપિત કરવાનો અવસર છે. આ અવસરે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આ એક એવો કાર્યક્રમ છે જે ભાષણનો નહીં પણ જોવાનો, માણવાનો છે.
આ અવસરે ધારાસભ્ય વિભાવરીબેન દવે, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, મેયર કીર્તિબાળા દાણીધારીયા, ભા.જ.પા. ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર ભા.જ.પા. પ્રમુખ ડો. રાજીવભાઇ પંડ્યા, ડે. મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી વાઇસ ચાન્સેલર ડો.એમ.એમ.ત્રિવેદી, શહેર અને જિલ્લાના ગણમાન્ય નાગરિકો, પદાધિકારીઓ- અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.