કેન્દ્રીય માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે ગાયના છાણથી બનેલી ટૂંક સમયમાં શરૂ થનારી ‘વૈદિક પેઇન્ટ’ રજૂ કરી હતી. ગ્રામીણ અર્થતંત્રને બળ મળે અને ખેડૂતોની વધુ આવક થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા ટૂંક સમયમાં ગાયના છાણમાંથી બનાવેલ ‘વૈદિક પેઇન્ટ’ લોન્ચ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ સમજાવ્યું કે પેઇન્ટ ડિસ્ટેમ્પર અને પ્રવાહી ફોર્મમાં આવશે અને ફક્ત ચાર કલાકમાં સુકાઈ જશે. ઇકો ફ્રેન્ડલી પેઇન્ટમાં બિન-ઝેરી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ ગુણધર્મો હશે. દીવાલને ધોઈ પણ શકાશે. તેમણે અનુમાન લગાવ્યું હતું કે ‘વૈદિક પેઇન્ટ’થી પશુધન ખેડુતોને વર્ષે 55,000 રૂપિયાની વધારાની આવક થશે.
સામાન્ય રીતે એક ગાય પાસેથી દૈનિક 30 કિલો સુધીનું છાણ મળી રહે છે. રૂ. 5 પ્રતિ કિલોના હિસાબે ગણતરી કરીએ તો એ મુજબ પશુપાલકો અને ખેડૂતોને એક ગાયમાંથી રૂ. 150ની વધારાની આવક થઇ શકે છે. એનાથી પશુપાલન કરતા ખેડૂતોને વર્ષે 55 હજાર રૂપિયાની વધારાની આવક થશે.