- કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ, વડોદરાના વૈદિક હોળી અભિયાનને 7 વર્ષ પૂર્ણ!
કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ ગૌશાળા વડોદરાના વૈદિક હોળી અભિયાનને સાત વર્ષ પૂર્ણ થતાં, ગૌમાતા અને પર્યાવરણ બચાવનો સંદેશ વધુ પ્રબળ બની રહ્યો છે. છેલ્લા સાત વર્ષથી ગૌશાળા દ્વારા “ગૌમાતા બચાવો, પર્યાવરણ બચાવો, વૃક્ષો બચાવો”ના પવિત્ર ઉદ્દેશ્ય સાથે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
હોળી પર્વમાં પરંપરાગત રીતે હજારો વૃક્ષોનો ભોગ લેવાતો આવ્યો છે, જેના કારણે પર્યાવરણને અપાર નુકસાન થતું રહ્યું છે. એક સર્વે મુજબ એક વૃક્ષ દર વર્ષે આશરે 260 પાઉન્ડ ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જે બે વ્યક્તિઓને શ્વાસ લેવા માટે પૂરતું છે. વડોદરામાં દર વર્ષે લગભગ 5000થી વધુ હોળીનું આયોજન થાય છે, જેમાં અનેક વૃક્ષો કપાઈ જાય છે અને ટન ઓક્સિજન નષ્ટ થાય છે. આ કારણે પ્રદૂષણ, અસહ્ય ઉષ્મા અને વરસાદની અનિયમિતતા જેવા પ્રશ્નો ઊભા થાય છે.
આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગૌશાળા દ્વારા વૈદિક હોળીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગૌમાતા પરંપરાથી પ્રાપ્ત છાણમાંથી 121 કિલો છાણા અને 11 પ્રકારની વૈદિક સામગ્રીની કિટ તૈયાર કરી વિવિધ સોસાયટીઓ, પોળો, ગલીઓ અને મહોલ્લાઓ સુધી પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિમાં લાકડાનો ઉપયોગ કે ખાડા ખોદવાની જરૂરિયાત ન રહેતી હોવાથી પર્યાવરણને રક્ષણ મળે છે. વૈદિક હોળી ગોઠવવામાં અસમર્થ રહેનારા માટે ગૌશાળાના સંચાલક મનોજભાઈ અને શ્રુતિબેન વ્યક્તિગત રીતે જઇ ગોઠવણી કરે છે.
આ પહેલથી ગૌમાતા માટે આર્થિક સહાય ઉપલબ્ધ થાય છે, ગૌમૂત્ર અને ગોબરની મૂલ્યવૃદ્ધિ થાય છે, તથા પર્યાવરણને પણ સાચવવામાં મદદ મળે છે. ગૌમાતાના છાણા બળવાથી પર્યાવરણમાં પોઝિટિવ વાયુઓ જેમ કે બિટા-પ્રોપેનો લેકેટોન, એથેલિન ઓક્સાઈડ, પ્રોપિલીન ઓક્સાઈડ અને ઓક્સિજનનું ઉત્સર્જન થાય છે.
આભિયાનને વધુ વેગ આપતા, ટ્રસ્ટ સાથે આ વર્ષે 20 જેટલા વોલેન્ટિયર્સ જોડાયા છે, જે નાની મોટી સોસાયટીઓમાં જઈ વૈદિક હોળી ગોઠવી લોકોમાં જાગૃતિ ફેલાવશે. વિશેષ કાર્યક્ર્મ અંતર્ગત “સેલ્ફી વિથ વૈદિક હોળી” અભિયાન ચાલાવાશે, જેમાં લોકો “મારી હોળી, વૈદિક હોળી”, “મારું શહેર, પ્રદૂષણ મુક્ત શહેર”, “ગૌમાતા બચાવો, વૃક્ષો બચાવો”, અને “હું જાગૃત નાગરિક છું, આપ પણ બનો” જેવા સત્સંકલ્પો સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર શેર કરશે.
આ અભિયાનની અસરથી 1190 થી વધુ દેશી ગૌવંશને લાભ મળે છે, 500 નાના મોટા ગૌશાળા તથા પરિવારને રોજગારી મળી રહી છે અને 50 જેટલા ટ્રાન્સપોર્ટર્સને રોજગારીની તક ઉપલબ્ધ થાય છે. ગઈકાલે, ગૌશાળા ખાતે Cksvim કોલેજ તથા સ્થાનિક યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં વૈદિક હોળીનું મહત્વ અને તેના સકારાત્મક પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ અભિયાનના અંતર્ગત ઉપસ્થિત સભ્યો હોળી સાથે સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર શેર કરી વધુ લોકો સુધી સંદેશ પહોંચાડશે. આવી દૃઢ મનોબળ અને પર્યાવરણ સંરક્ષણના મંત્ર સાથે કાર્યરત ટ્રસ્ટના પ્રયત્નો આગળ વધે અને વધુ લોકો આ અભિયાનમાં જોડાઈ, એજ સૌની અભિલાષા છે.