વેરાવળને બદલે પોરબંદર તરફ ફંટાયુ

‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. દિશાની સાથે સાથે સમય પણ બદલાયો છે. હવે વાવાઝોડું 13 જૂનના રોજ સવારને બદલે બપોરે ત્રાટકી શકે છે.

‘વાયુ’ વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે. જેને લઈ રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત 10 જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી. રાજ્યભરમાં બપોર સુધીમાં 1,23,550થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે.

જે માટે રાજ્યભરમાં 1,216 જેટલાં આશ્રયસ્થાનો ઉભા કર્યા છે. જેમાં એન.જી.ઓ. તથા ધાર્મિક સંસ્થાઓના સહયોગથી રહેવાની, જમવાની, પીવાના પાણીની પૂરે પૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે. સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.