ગૃહિણીઓ અને વાહન ચાલકોને વાર્ષિક રૂ.1000 કરોડની રાહત
156 બેઠકો જીતી ગુજરાતમાં નવો જ કિર્તીમાન પ્રસ્થાપીત કરનાર રાજયની ભૂપેન્દ્રભાઇ સરકારે ગુજરાતની ગૃહીણીઓ અને વાહન ચાલકોને ભેટ આપી છે. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે બજેટમાં પીએનજી અને સીએનજી પર હાલ વસુલવામાં આવતા વેટના દરમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરાય હતી.
તેઓએ ઉમેર્યુ હતું કે છેલ્લા વર્ષોમાં કોવિડ-19 ની વૈશ્ર્વિક મહામારીના કારણે લોકોની આર્થિક પ્રવૃતિઓ પર વિપરીત અસર પડેલ હતી. કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત પેકેજની સમાંતર રાજય સરકારના આત્મનિર્ભર ગુજરાત પેકેજ થકી વિવિધ વર્ગોને અન્ન સલામતી માટે રાહત દરે અન્ન વિતરણ તથા સ્ટેમ્પ ડયુટી, મોટર વાહન કર, વીજળી શુલ્ક, પેટ્રોલ અને ડીઝલ પરના મૂલ્યવર્ધિત વેરાના દર વગેરેમાં રાહતો આપેલ છે.
ગૃહિણીઓ અને નાગરીકોને વિશેષ રાહત આપવા ઘરેલું વપરાશ માટેના પી.એન.જી. અને ઓટોમોબાઇલમાં વપરાતા સી.એન.જી. ઉપરના મૂલ્યવર્ધિત વેરાનો દર 1પ ટકા થી ઘટાડીને પ ટકા નકકી કર્યુ છે. આ ઘટાડાથી લોકોને વાર્ષિક આશરે રૂ. 1000 કરોડની રાહત થયેલ છે.
વીજળી શુલ્ક એ રાજયનો અગત્યનો મહેસૂલી આવકનો સ્ત્રોત છે. ઉર્જાની ઉત્તરોતર વધતી જતી ખપતના કારણે આ સ્ત્રોતમાંથી મળતી મહેસુલી આવકમાં વધારો થવાની સંભાવના છે. આથી, વીજળી શુલ્કની વહીવટી બાબતોને સુગ્રથિત કરી સરળતા લાવવા અને અમલીકરણની કામગીરીમાં આઇ.ટી.નો ઉપયોગ કરવાની જરુરીયાત છે. આ હેતુસર જરુર જણાય ત્યાં વીજળી શુલ્કના કાયદામાં સરકાર સુધારો કરશે.
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ અનેક વિધ પગલાઓના કારણે રાજયના અર્થતંત્ર પરથી વિપરીત અસર હવે મહદઅંશે દુર થયેલ છે. રાજયના અર્થવ્યવસ્થા પુન: વેગવંતી બનેલ છે. વડાપ્રધાન ના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવી સિઘ્ધીઓ હાંસલ કરી રહ્યું છે.
આ વિકાસ યાત્રા અવિરત રહે તે માટે રાજય સરકારે સને 2023-24 ના અંદાજ પત્રમાં વર્તમાન વેરાના દરમાં કોઇપણ ફેરફાર નહી કરવાની કે નવા કોઇ વેરા નહી નાખવાની જાહેરાત કરેલ છે.