- સંઘે સંજય જોશીનું નામ સુચવ્યું પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહએ ચોકડી મારી: વસુંધરા રાજેનું નામ હાલ પ્રથમ ક્રમે: દિવાળી પછી નવા અધ્યક્ષનું નામ કરાશે જાહેર
ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની મુદત ઘણા સમય પહેલા પૂર્ણ થઈ જવા પામી છે. દરમિયાન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તેઓને પ્રમુખ પદે યથાવત રાખવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ સતત ત્રીજી વખત કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેડીએની સરકાર બની છે. જેમાં જે.પી. નડ્ડાને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. છેલ્લા છ મહિનાથી નડ્ડા બેવડી જવાબદારી નિભાવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં હાલ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને સંજય જોશીનું નામ પ્રબળ દાવેદારોમાં છે.
સંજય જોશી જયારે ગુજરાતમાં સંગઠન મહામંત્રીની જવાબદારી નિભાવતા હતા ત્યારથી તેમની અને નરેન્દ્રભાઈ મોદી વચ્ચે બહુ જામતી નથી. મોદી સાથેના અણબનાવના કારણે સંજય જોશી સક્રિય રાજકારણમાંથી અલિપ્ત થઈ ગયા હતા તેઓએ આડકતરી રીતે ગુજરાત છોડી પણ દીધું હતુ તેમ પણ કહી શકાય. કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન છે. ભાજપના કેટલાક નેતાઓ પક્ષની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘથી પણ પોતાની જાતને મોટા માનવા લાગ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા જે.પી.નડ્ડાએ પણ એવું નિવેદન આપ્યું હતુ કે ભાજપને હવે સંઘની આવશ્યકતા નથી. પક્ષ એકલો ઉભો રહી શકે તેટલો મજબૂત બની ગયો છે.
ભાજપ અને સંઘ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો હોવાના કારણે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ નકકી કરવાામાં ગોટે ચઢી છે. આરએસએસ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સંજય જોશીનું નામ સુચવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું નામ પણ પ્રમુખની રેસમાં સામેલ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહની જોડીએ સંજય જોશીના નામ પર ચોકડી મારી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે ગઈકાલે અચાનક સંજય જોશીના નિવાસ સ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ભાજપ શાસીત રાજયોનાં મંત્રીઓ પક્ષના ટોચના નેતાઓનાં આંટાફેરા પણ સંજય જોશીના ઘેર વધી રહ્યા છે. આવામા કાર્યકરોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, જોશી જ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે.
જોકે હાલના સમિકરણો મુજબ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સૌથી વધુ આગળ ચાલી રહ્યું છે. જોકે આ બંને નામોને સાઈડ લાઈન કરી મોદી શાહની જોડી નવી સરપ્રાઈઝ આપી શકે છે. વી.એલ. સંતોષને પણ પ્રમુખ પદે બેસાડી દેવામાં આવે તેવી શકયતા નકારી શકાતી નથી. કારણ કે સંતોષ ભાજપ માટે સંકટ મોચનની ભૂમીકામાં હંમેશા સફળ રહ્યા છે.
હાલ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. 15મી ઓકટોબરના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. હરિયાણાની ચૂંટણી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની ઘોષણા દિવાળી પછી કરવામાં આવશે