ભારતીયોએ હંમેશા બીજા દેશોની સંસ્કૃતિઓ ભાષા, ધર્મ વગેરેનો આદર કરીને પોતાનો હિસ્સો બનાવ્યો
15 મે ને આંતર રાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે મનાવી રહ્યા છીએ ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ “વસુધૈવ કુટુમ્બકમ” વિચારધારાને પ્રાધાન્ય મળી રહ્યું હોય એમ લાગે છે.
“વસુધૈવ કુટુમ્બકમ” એ સનાતન ધર્મનો મૂળ મંત્ર છે, જે મહા ઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં લિપિબધ્ધ થયેલ છે. એનો અર્થ ધરતી જ પરિવાર છે એવો થાય છે. આ વાક્ય ભારતીય સંસદના પ્રવેશ રૂમમાં પણ લખેલું છે.”વસુધૈવ કુટુમ્બકમ” એક સંસ્કૃત અભિવ્યક્તિ છે. વસુધા + ઈવા + કુટુમ્બકમ આ ત્રણ શબ્દો વસુધા એટલે પૃથ્વી, ઈવા એટલે જોડવું અને કુટુંબકમ એટલે એક પરિવાર મતલબ પૂરી પૃથ્વી એક પરિવાર છે.ધરતી ને એક પરિવારના રૂપમાં બાંધીને ભાવનાત્મક રૂપથી મનુષ્યને તેમના વિચારો અને કાર્યોના પ્રભાવથી વિસ્તૃત કરવાની વાત “વસુધૈવ કુટુમ્બકમ” શબ્દ દ્વારા વ્યકત કરવામાં આવે છે.
ઇતિહાસ સાક્ષી છે કે ભારતના મહાન વિચારકો અને સમ્રાટો એ વિશ્વના કલ્યાણ માટે હંમેશા પ્રયાસ કર્યા છે. ચક્રવર્તી સમ્રાટ અશોક ને યુદ્ધની ખાના ખરાબી વિશે સમજાયું ત્યારે તેમણે આત્મશાંતિ માટે યુદ્ધ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો, આ મહાન સમ્રાટ જ નહીં પરંતુ મહાન ભારતીય સંસ્કાર ના સ્તંભ નું ઉદાર અને વિસ્તૃત પાત્ર છે, જેમણે “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના દર્શાવી છે.
જે જે વિદેશી આપણા દેશ બાજુ આવ્યા તે બધાએ ભારતને ફક્ત લૂંટ્યો જ છે. આટલું થયા પછી પણ આપણો ઈતિહાસ બતાવે છે કે ભારતીયોએ હંમેશા બીજા દેશોની સંસ્કૃતિઓ, ભાષા, ધર્મ વગેરે નો આદર કરીને પોતાનો હિસ્સો બનાવી ને બધાને અપનાવી લીધા છે.”વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવનાને સુગંધિત કરવા માટે દરેક વ્યક્તિએ પોતાનાં આત્મા માં વસુધૈવ કુટુમ્બકમ નું ફૂલ ખીલવવુ પડશે. એક એક વ્યક્તિ મળીને જ પરિવાર બને છે, પરિવારથી સમાજ અને સમાજથી જ દેશ બને છે. દેશ મળીને જ દુનિયા બને છે, જ્યાં બધા મનુષ્યોનો નિવાસ છે.
દરેક મનુષ્યનું બાહ્ય સ્વરૂપ સરખું હોવા છતાં આંતરિક ગુણો અલગ હોવાના કારણે એક પરિવારની જેમ નથી રહી શકતા, એટલે જ આપણા વિચારકો અને ઋષિમુનીઓએ અનાદિકાળ થી વસુધૈવ કુટુમ્બકમ ની ધારણા ને જનમાનસના સંસ્કાર માં રોકવાની કોશિશ કરી છે. અલગ-અલગ ભૂમિખંડો પર અલગ-અલગ પરિસ્થિતિઓ થી મનુષ્યના રૂપરંગ, ખાનપાન, વેશભૂષા અને પ્રાકૃતિક સૌંદર્ય અલગ હોય છે, જેથી આપણા ઋષિમુનિઓએ મનુષ્યના ઉત્થાન માટે ભિન્નતા મા સમાનતા એટલે કે અલગતા માં એકતા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.
એ વિશ્વ શાંતિ માટે ખૂબ જ જરૂરી છે. મનુષ્ય પોતાની ભિન્નતા ના કારણે જ હમેશા એકબીજા સાથે યુદ્ધ કરતો આવ્યો છે.આજે પણ “વસુધૈવ કુટુમ્બકમ” ભારતની વિદેશ નીતિ નો પાયો છે. દુનિયામાં જ્યારે જ્યારે અહિંસા અને યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાય છે અને તબાહી થાય છે ત્યારે ઉપદ્રવ ગ્રસ્ત જગ્યા પર જઈને ફસાયેલા લોકોને બચાવવા ભારત સરકાર શક્ય તેટલા પ્રયાસ કરે છે અને બચાવ અભિયાન ચલાવે છે.
આપણી આ ધરતી એ આકશ રૂપી જે ચાદર ઓઢી છે તે દરેક બાજુ થી સરખી જ દેખાય છે, ધરતીના કોઈપણ ખૂણેથી સૂરજ અને ચંદ્ર પણ સરખા જ દેખાય છે. સમુદ્ર એક જ છે તો એનું પાણી કઈ રીતે અલગ હોઈ શકે? આપણને બધાને બનાવવા વાળા પરમેશ્વર પણ એક જ છે તો આપણે કઈ રીતે અલગ હોય શકી? આમ આપણે બધા એક જ પૃથ્વી નામના પરિવારના સભ્યો છીએ. પછી એ ભારતીય હોય કે અમેરિકન, યુરોપિયન હોય કે રશિયન….!
“વસુધૈવ કુટુમ્બકમ” નો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ જો સમજવાની કોશિશ કરીએ તો એ બતાવે છે કે દરેક મનુષ્યએ સુખ દુ:ખને એકબીજા દ્વારા વહેંચતાં શીખવું જોઈએ અને પોતાના અધિકારને ગૌણ માનીને કર્તવ્યનું પાલન કરવું જોઈએ તેમજ ઉદારતા વાદી બનવું જોઈએ. બધા ધર્મોથી ઉપર ઉઠીને “માનવતા” ને જ એક ધર્મ માનીએ તો જ”વસુધૈવ કુટુમ્બકમ” નું સપનું સાકાર થશે.