પોલીસે હદ નક્કી કરવામાં હદ કરી
પંચનામાના કાગળિયા કરવામાં પોલીસે ખો-ખો રમતા મૃતદેહ કલાકો સુધી રઝડતો રહ્યો
સણોસરા ગામના પિતા પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે વાસાવડ અને દડવા ગામ વચ્ચે કૂતરું આડે ઉતરતા બાઈક સ્લીપ થતાં પુત્રની નજર સામે જ પિતાને કાળ આંબી ગયો હતો. તો બીજી તરફ પંચનામા કરવામાં પોલીસ મથકે એકબીજા પર ખો ખો આપતા મૃતદેહ કલાકો સુધી પીએમ રૂમ પર રઝડતો રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સણોસરા ગામે રહેતા માવજીભાઈ ગેલાભાઈ સાથડિયા (ઉ.વ.50) અને તેમના પુત્ર સવસી સાથડિયા (ઉ.વ.19) બંને બાઈક પર વાસાવડથી દસાડા તરફ જતા હતા ત્યારે કૂતરું આડે ઉતરતા બાઈક સ્લીપ થતાં સર્જાયેલા અકસ્માતમાં પુત્રની પ્લનજર સામે પિતાને કાળ આંબી ગયો હતો.
આ અંગેની પરિવારજનો પાસેથી મળતી વિગત મુજબ માવજીભાઈ અને તેમના પુત્ર સવસી બંને બાઈક પર લુણીધર માતાજીના માંડવે ગયા હતા. ત્યાર બાદ નિવેદના કામ માટે નીકળ્યા ત્યારે વાસાવડ અને દડવા ગામ વચ્ચે બાઈક આડે કૂતરું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં માવજીભાઈનું મોત નિપજયું હતું.
ત્યાર બાદ પરિવારજનોએ મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. પરંતુ પીએમ રૂમ પર પંચનામા કાગળિયા કરવા માટે વડીયા પોલીસ મથક અને પ્રદ્યુમન પોલીસ મથક વચ્ચે ચાલેલા ખો-ખોમાં મૃતદેહ કલાકો સુધી પીએમ રૂમ પર રઝડ્યો હતો.
વડિયા પોલીસ મથકના સ્ટાફે પંચનામાના કાગળિયા કરવામાં પહેલા ના પાડયા બાદ પરિવારજનોએ મહાજહેમતે કોન્ટેક્ટ કરતા આખરે લુણીધર પોલીસ મથકના પીએસઆઈ પંચનામા કાગળિયા કરવા આવ્યા હતા.