સંગીત, સુગંધ અને સુંદરતાના વૈભવને પ્રગટ કરતી વસંત પંચમી
ર્માં સરસ્વતીની આરાધનાનો શ્રેષ્ઠ દિવસ: વણજોયાં મુહૂર્ત વસંત પંચમીએ આજે અઢળક લગ્ન, સમુહલગ્નોત્સવના આયોજનો: અન્ય શુભકાર્યો માટે પણ ઉત્તમ મુહુર્ત; ભગવાન સ્વામીનારાયણે આ દિવસે શિક્ષાપાત્રી પ્રગટ કરી હતી
મહામાસની પવિત્ર તીથી, મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી, આજે વસંત પંચમીનું વણજોયું મુહર્ત હોય અનેક શુભકાર્યો કરવામાં આવે છે. વસંત પંચમીને વિદ્યાની દેવી સરસ્વતીના જન્મના રૂપમાં પણ મનાવવામાં આવે છે. દેવી સરસ્વતીની આરાધના-ઉપાસના કરવાનો આ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કહેવાય છે કે ર્માં સરસ્વતી આ દિવસે બ્રહ્માજીના માનસથી અવતરીત થયા હતા.
માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કલાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃધ્ધિ આવે છે વસંત પંચમી કોઈ પણ શુભ કાર્યો માટે ઉત્તમ મૂહૂર્ત છે.
આ દિવસે સર્વ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતીનું પૂજન તથા અર્ચન કરવામાં આવે છે. ઉપરાંત આ દિવસથી ઋતુઓનો રાજા વસંતનો આરંભ થાય છે. એટલે આ દિવસને વસંત ઋતુનો પ્રથમ દિવસ પણ ગણવામાં આવે છે આ ઋતુમાં વૃક્ષ પર લાગેલા પાન એકદમ ખીલી ઉઠે છે વસંત ઋતુના આગમનથી સૃષ્ટિની પ્રકૃતિની નવા અંદાજમાં જોવા મળે છે. આ ઋતુના આગમનથી મનુષ્ય, પ્રાણી, પક્ષી સહિતના પૃથ્વી પરના દરેક જીવો ખૂબજ સુખદાયક વાતાવરણની અનૂભૂતિ કરે છે. સંગીત, સુગંધ અને સુંદરતાનો વૈભવ પ્રગટ થાય છે.
વર્ષમાં ત્રણ-ચાર વણજોયા મૂહુર્ત આવે છે. તેમાંની એક વસંત પંચમી પણ વણજોયું મુહુર્ત ગણાય છે. આ દિવસે અઢળક લગ્ન, સમુહ લગ્નોત્સવનાં આયોજનો થયાં છે. આ ઉપરાંતના અન્ય શુભકાર્યો પણ આ દિવસે કરવામાં આવે છે.
સ્વામી નારાયણ સંપ્રદાય વસંત પંચમીને શિક્ષાપત્રી દિન તરીકે ઉજવે છે. આ દિવસે ભગવાન સ્વામીનારાયણે સમાજ શિક્ષણ, સમાજ સુધારણા, સામાજીક દૂષણો, બદીઓથી સમાજને બચાવવા શિક્ષાપત્રી પ્રકટ કરી હતી.