રાજકોટમાં રાજતિલક વિધિ અંતર્ગત મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ

તલવાર રાસ અને નગરયાત્રાએ નગરમાં જમાવ્યું આકર્ષણ: કાલે દિપમાળા

રાજકોટના રાજવી પરિવારના ઉત્તરાધિકારી તરીકે માંધાતાસિંહજી જાડેજાનો તા.૩૦ને ગુરૂવારને દિવસે રાજતિલક વિધિ અંતર્ગત ત્રિ-દિવસીય વિવિધ ઉત્સવના ભાગરૂપે આજે શહેરનાં પેલેસ રોડ સ્થિત રણજીત વિલાસ ખાતે મહાયજ્ઞનો પ્રારંભ થયો છે અને તલવાર રાસનો રેકોર્ડનો પ્રયાસ તેમજ સાંજે શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ઐતિહાસિક નગરયાત્રા નિકળશે.

વધુ વિગત મુજબ રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજી જાડેજાનો વસંતપંચમીના દિને રાજયાભિષેક સમારોહ યોજાવાનો છે. આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ, તલવાર રાસ, નગરયાત્રા, દિપમાળા અને ભવ્ય લોકડાયરો સહિત અનેક કાર્યક્રમની શૃંખલા યોજાશે. તા.૨૭ને સોમવારે માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ સાહેબ જયદિપસિંહજી જાડેજા રણજીત વિલાસ પેલેસથી વિન્ટેજ કારમાં બેસી કુળદેવી આશાપુરા માતાજીના મંદિરે માથુ ટેકવી આશીર્વાદ લઈ રણજીત વિલાસ ખાતે દેહ શુદ્ધિ સહિતની ધાર્મિક કાર્યક્રમ વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાઈ હતી. આ તકે ક્ષત્રિય સમાજના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા.

DSC 0794

જયારે તા.૨૮ને મંગળવારે સવારે યજ્ઞનાં આચાર્ય કૌશિકભાઈ ત્રિવેદી દ્વારા મહાયજ્ઞનો દિવ્ય મંત્રોચ્ચાર, વેદના ગાન, વિવિધ યજ્ઞ, સામગ્રીની સુવાસથી પલ્લવિત થઈ ઉઠયો હતો. ચોમેર પાવન અને ઉત્સાહભર્યું વાતાવરણ દિવ્યતા અનુભવાય રહી છે. જયારે આજે બપોરના ૧૨ કલાકે કાલાવડ રોડ પર ડ્રાઈવ ઈન સિનેમા ખાતે ક્ષત્રિય સમાજના ૨૫૦૦ દિકરા-દિકરીઓ તલવાર રાસ રમ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બપોરના ૩:૩૦ કલાકે રણજીત વિલાસ પેલેસ ખાતેથી ભવ્ય નગરયાત્રા નિકળશે જે પેલેસ રોડ, કેનાલ રોડ, લોધાવાડ ચોક, માલવિયા ચોક, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, ત્રિકોણબાગ, ભુપેન્દ્ર રોડ થઈ પેલેસ રોડ ખાતે સમાપન થશે. નગરયાત્રામાં વિન્ટેજ કાર, ચાંદીની બગી, અશ્ર્વ અને હાથીઓ આકર્ષણ જમાવશે અને રાજવી પરિવારના સભ્યો અને સાધુ-સંતો સહિત ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે. તેમજ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાનું સન્માન કરવામાં આવશે અને માંધાતાસિંહ નગરજનોનું અભિવાદન કરશે.

DSC 0780

તા.૨૯મીએ સવારે ૮:૩૦ થી બપોરે ૧:૦૦ પૂજન, સુર્યદેવને અર્ઘ્ય, ચારેય વેદોમાંથી મહાયજ્ઞના મંત્રોચ્ચાર થશે. બપોરે ૩ થી ૬:૩૦ પણ જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટિહોમ, ૫૧ બ્રાહ્મણો દ્વારા તીર્થોથી આવેલા જળનો અભિષેક, ઔષધિઓ દ્વારા અભિષેક થશે. સાંજે સાડા છ વાગ્યે રાજ પરિવારનાં નિવાસ સ્થાન રણજીત વિલાસ પેલેસમાં ગ્રાઉન્ડ નં.૩માં જયોતિપર્વ ઉજવાશે. રાજકોટનાં વિવિધ સમાજના લોકો પેલેસમાં દિપ પ્રાગટય કરશે. આશરે સાત હજારથી વધારે દીપનું પ્રાગટય આ અવસરે કરવામાં આવશે. રાજકોટ રાજયનું રાજચિહ્ન, રંજે ધર્મી પ્રજા રાજા દીવડાઓ દ્વારા બનાવવામાં આવશે. રાજકોટના લોકોને આ જયોતિપર્વમાં જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.