જે બાળકો અભ્યાસ કરતા હોય તેઓએ સરસ્વતીનું પૂજન કરવું જોઈએ: પહેલાના જમાનામાં બ્રાહ્મણો આ દિવસે પોતાના બાળકોને ઉપનયન સંસ્કાર આપી ગુરુકુળમાં બેસાડતા
મહા સુદ પાંચમને રવિવાર તા.૧૦-૨ના રોજ વસંત પંચમી છે. વસંત પંચમી એટલે આનંદ ઉત્સાહનો દિવસ, આ દિવસે વૃક્ષ અને વનસ્પતિમાં નવચેતન ઉભરાય છે. ડાળીએ ડાળીએ નવજીવન રેડાય છે. વસંત પંચમીના દિવસે જીવનમાં રૂપ, રસ, રંગ અને સુગંધ છવાય છે.
વસંત પંચમીના દિવસે વિદ્યાના દેવી સરસ્વતી માતાજીનું પૂજન તથા વિષ્ણુ ભગવાનના પૂજનનો મહિમા રહેલો છે. વસંત ઋતુની કથા મુજબ હિમાલયમાં તપ કરતા શંકર ભગવાનનું તપોભંગ કરવા માટે કામદેવે વસંત ઋતુની મદદ લેવી પડી હતી. કથા પ્રમાણે ભગવાન રામચંદ્ર સીતાજીની ખોજમાં જાય છે ત્યારે શબરીને મળે છે અને ભગવાન શ્રી રામચંદ્રને શબરી બોર અર્પણ કરે છે તે ભગવાન આરોગે છે તે દિવસ પણ વસંત પંચમીનો દિવસ હતો.
વસંત પંચમીના દિવસે એકટાણું કરી અને સૌપ્રથમ વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું અને પ્રસાદ સ્વરૂપે પોતે લેવું. વસંત પંચમીના દિવસે ખાસ કરીને જે અભ્યાસ કરે છે તેવા બાળકો અને યુવાનોને માતા સરસ્વતીનું પૂજન કરવું.
એક બાજોટ પર સફેદ વસ્ત્ર પાથરી તેના પર ચોખા અને સોપારી પધરાવી ત્યારબાદ માતાજીની છબી પધરાવવી, દીવો, અગરબતી કરી માતાજીને ચાંદલો-ચોખા કરવા અને ફૂલ અર્પણ કરવું. સાથે બાજુમાં જે અભ્યાસ કરતા હોય તે મુખ્ય પુસ્તક મુકી અને તે પુસ્તકને પણ ચાંદલો ચોખા કરી અને અબીલ-ગુલાલ અર્પણ કરવું.
પહેલાના જમાનામાં બ્રાહ્મણો પોતાના બાળકોને ઉપનયન સંસ્કાર આપી અને આ દિવસે ગુરુકુળમાં બેસાડતા આ દિવસે યજ્ઞોપવિત એટલે કે, જનોઈ દેવાનું પણ શુભ મુહૂર્ત છે. તથા લગ્નનું પણ ઉત્તમ મુહૂર્ત છે. આ વર્ષે રવિવારનો સંયમ હોય અનેક જગ્યાએ લગ્ન પ્રસંગ યોજાશે તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.