મેઘ મહેર શરૂ થતાની સાથે જ આજીમાં સૌની યોજનાના પાણી ઠાલવવાનું બંધ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે તમામ જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે. રાજકોટને જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય ત્રણ જળાશયોમાં હાલ જળ વૈભવ હીલોલા લઈ રહ્યો છે.મેઘરાજાએ એક જ દિવસમાં આજી ડેમમાં રાજકોટને 31 દિવસ ચાલે તેટલું ન્યારી ડેમમાં 25 દિવસનું અને ભાદરમાં 23 દિવસનું પાણી ઠાલવી દિધું છે.
ધીમે ધારે હજી પાણીની આવક સતત ચાલુ છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઈકાલે આજી ડેમમાં નવું પાંચ ફૂટ પાણીની આવક થવા પામી હતી. હાલ ડેમની સપાટી 23 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમ ઓવરફ્લો થવામાં હવે છ ફૂટ બાકી રહ્યું છે રાજકોટને 31 દિવસ સુધી ચાલે તેટલું પાણી મેઘરાજાએ ગણતરીની કલાકોમાં આજીમાં ઠાલવી દીધું છે.ન્યુ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં પણ નવું બે ફૂટ પાણી આવ્યું છે.દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ ન્યારી ડેમમાં ન્યુ રાજકોટને 25 દિવસ સુધી ચાલે તેટલું પાણી પણ આવ્યું આવ્યું છે.
જ્યારે સૌરાષ્ટ્રના દરિયા સમા ભાદર ડેમમાં પોણો ફૂટ નવું નવું પાણી આવ્યું છે જે દૈનિક ઉપાડ મુજબ રાજકોટને 23 દિવસ ચાલે તેમ છે.લાલપરી ઓવર ફ્લો થઈ ગયું છે અને ન્યારી બે ડેમમાં પણ પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. રાજકોટની જર જરૂરિયાત સંતોષતા તમામ જળાશયોમાં માત્ર પાણીની આવક થતા રાહતનો શ્વાસ લીધો છે જળસંકટ ચોક્કસ હળવુ થઈ ગયું છે પરંતુ આખુ વર્ષ ચાલે તેટલું પાણી હજી એક પણ ડેમમાં સંગ્રહિત થયું નથી.આગામી શુક્ર અને શનિવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય ડેમમાં પાણીની આવક વધે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.